ગાંધીનગરગુજરાત

ગુજરાતમાં ખેડૂતોને જીવાડવા કૃષિ ક્ષેત્રે ટેક્સમાંથી સંપૂર્ણ માફી આપો : કોંગ્રેસ મહામંત્રી ડૉ. હિમાંશુ પટેલ

ગાંધીનગર :

ગુજરાતમાં કિસાનો અને પશુપાલકોને ખેતી તેમજ કૃષિલક્ષી વસ્તુઓમાં જીએસટીમાંથી સંપૂર્ણ મુક્તિ આપી જીવતદાન આપવાની માંગણી કરતા કોંગ્રેસે કહ્યું છે કે, ગુજરાતનાં ધરતીપુત્રોને દેવા માફી નહીં આપી આર્થિક બેહાલીમાં ધકેલનાર ભાજપ સરકારે અછતગ્રસ્ત તાલુકાઓમાં પાક વીમો તાત્કાલીક ચુકવવો જોઈએ. ગુજરાત પ્રદેશ કોંગ્રેસનાં મહામંત્રી ડૉ. હિમાંશુ પટેલે જણાવ્યું છે કે, ગુજરાતમાં વીજ ચોરીનાં કોમર્શિયલ બીલ માફ કરતી ભાજપ સરકાર ખેડૂતોનાં દેવાં માફ કરી શકતી નથી તે કમનસીબી છે. ભાજપ સરકારની ખેડૂત વિરોધી નીતિનાં કારણે વિવિધ પાક અને શાકભાજીનાં પોષણક્ષમ ભાવો પણ નહીં મળતાં છેલ્લા ત્રણ મહિનામાં ૨૩ ખેડૂતોએ આર્થિક દુર્દશાનાં કારણે આપઘાત કર્યો છે. આ સંજોગોમાં ખેડૂતોને જીવાડવા માટે ભાજપ સરકારને ખેડૂતલક્ષી માંગણીઓ તાત્કાલીક પૂરી કરવા કોંગ્રેસે મુખ્યમંત્રીને અનુરોધ કર્યો છે. ડૉ. હિમાંશુ પટેલે વધુમાં જણાવ્યું છે કે, પશુપાલકોનાં વીમા પ્રિમિયમમાં લાગુ કરાયેલો ૧૮ ટકા જીએસટી નાબૂદ કરવો જોઈએ. ગુજરાત રાજ્યના તમામ ખેડૂતોના દેવા માફ કરવા સાથે રાજ્યના અછતગ્રસ્ત તાલુકાઓમાં પાક વીમાની રકમ તેમજ વાવેતર નિષ્ફળ જતાં હેક્ટર દીઠ રૂપિયા ૧૦ હજાર તાત્કાલિક આપવા માંગણી કરી છે. જયારે ખેડૂતોને અપાતા વીજ કનેકશનમાં ૧૮ ટકા જીએસટી સંપૂર્ણપણે રદ કરી ખેતી ઉપયોગી ઓજારોમાં લેવાતો ૫ થી ૧૮ ટકા સુધીનો જીએસટી નાબુદ કરવા જણાવ્યું છે. આ ઉપરાંત સરકારે કોમર્શિયલ વાહનોમાં જીએસટી ૧૮ ટકાથી ઘટાડી ૧૨ ટકા કર્યો છે. ત્યારે ટ્રેક્ટરનાં વીમા પ્રિમિયમ ૧૮ ટકા જીએસટી રદ કરવા માંગ કરી છે. તેમણે સરકારે ખેડૂતોને ડ્રીપ ઈરીગેશનમાં સબસીડી ઓછી કરી જીએસટીમાં કરેલો વધારો નાબુદ કરવાનું જણાવતા ખેડૂતો માટે ખાતર અને ડીઝલનાં ભાવો ૫૦ ટકા ઘટાડી ખેતીમાં પ્રાણ પુરવાં કહ્યું છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x