ગુજરાતમાં જુનિયર ક્લાર્કની આ મહિનામાં લેવાશે પરીક્ષા, હસમુખ પટેલની થશે આકરી પરીક્ષા
તાજેતરમાં પેપર લીક થયા બાદ જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ થઈ હતી. જેના બાદ હજારો વિદ્યાર્થીઓના આક્રોશ ફાટી નીકળ્યો હતો. ત્યારે હવે પંચાયત સેવા પસંદગી મંડળે જુનિયર ક્લાર્કની પરીક્ષાની નવી તારીખ જાહેર કરી છે. જુનિયર ક્લાર્કની પરીક્ષા એપ્રિલ માસમાં યોજાશે. જાકે, હજી સુધી તારીખ જાહેર કરવામાં આવી નથી. તે ટૂંક સમયમાં જાહેર કરાશે તેવુ મંડળ દ્વારા કહેવાયુ છે.
ગુજરાતમાં અત્યારસુધીમાં ૧૨ પેપર ફૂટી ગયા છે. સરકાર પણ પેપર ફૂટી જવાની ઘટનાથી પરેશાન છે. પંચાયત વિભાગની પરીક્ષાઓની અંદર પેપર લીકની ઘટનાઓ બની છે, આ ઘટનાઓ બનતી રોકવા માટે હસમુખ પટેલને ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળના નવા અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. ગુજરાતમાં સરકારે વાયદો કર્યો છે કે ૧૦૦ દિવસમાં જુનિયર ક્લાર્કની પરીક્ષા લેવાવાની છે અને પરીક્ષાના પેપર લીકની ઘટનાઓ રોકવા આગામી સમયમાં કાયદો પણ બનવાનો છે. બજેટ સત્રમાં આ કાયદા અંગે કોઇ નિર્ણય લેવાય તેવી શક્યતા છે. ભાજપ સરકારે આ મામલે ૨ રાજ્યોના નિયમોનો અભ્યાસ પણ કર્યો છે.
જૂનિયર ક્લાર્કની આ પરીક્ષા માટે ૯ લાખ ૫૩ હજાર ૭૨૩ ઉમેદવારોએ અરજી કરી હતી. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે, તમામ પરીક્ષા કેન્દ્ર ખાતે અને તમામ વર્ગખંડોમાં ૧૦૦ ટકા સીસીટીવી કેમેરા સહિત લાઈવ રેકોર્ડીંગ કરવામાં આવશે. તેમજ પરીક્ષાના સીલબંધ મટીરીયલ્સ રાખવા માટે વિવિધ જિલ્લાઓ ખાતે ૪૨ જેટલા સ્ટ્રોંગરૂમ પણ તૈયાર કરવામાં આવ્યાં હતા. આ તમમ મહેનત એળે ગઈ હતી અને જૂનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર ફૂટી ગયું હતું. આ મામલામાં હવે પોલીસ કાર્યવાહી કરી રહી છે.