હોસ્પિટલ એન્ડ પેશન્ટ કેર ઇમ્પ્રુવમેન્ટ મિશનનો ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતેથી પ્રારંભ
રાજ્યની તમામ સરકારી હોસ્પિટલોમાં મળતી સ્વાસ્થ્ય સુવિધાઓને દર્દીલક્ષી બનાવવાના લક્ષ સાથે હોસ્પિટલ એન્ડ પેશન્ટ કેર ઇમ્પ્રુવમેન્ટ મિશન હાથ ધરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે કેનેરા બેંકના સહયોગથી દર્દીઓની સુવિધા માટે ગોલ્ફ કાર્ટની સવલતનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
હોસ્પિટલ એન્ડ પેશન્ટ કેર ઇમ્પ્રુવમેન્ટ મિશન અંતર્ગત રાજ્યની આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હસ્તકની તમામ જી.એમ.ઈ આર.એસ મેડિકલ કોલેજ સંલગ્ન સિવિલ હોસ્પિટલો, જિલ્લા હોસ્પિટલો અને પેટા જિલ્લા હોસ્પિટલો ખાતે દર્દીઓ અને દર્દીઓના સગાઓને જરૂરી સ્વાસ્થ્ય સેવાઓ લેવામાં કોઈ મુશ્કેલી ન પડે અને જરૂરી માર્ગદર્શન મળી રહે તે હેતુથી *સેવા એ જ સાધના* ના મંત્ર સાથે હેલ્પ ડેસ્ક – સેવા કેન્દ્ર શરૂ કરવામાં આવશે.
આ સેવા કેન્દ્ર જે-તે આરોગ્ય સંસ્થાના જ્યાં દર્દીઓની અને તેમના સગાઓની સૌથી વધારે ભીડ અને ધસારો રહેતો હોય તેવા ઈમરજન્સી વિભાગ અને ઓપીડી વિભાગ ખાતે કાર્યરત કરવામાં આવશે. જયાંથી દર્દીને આરોગ્ય સંસ્થામાં જે સ્વાસ્થ્ય સેવાની જરૂર છે તે સેવા લેવામાં સરળતા અને માર્ગદર્શન મળી રહેશે. આરોગ્ય સેવાઓ અને સારવાર મેળવવામાં દર્દીઓ અને તેમના સગા-સબંધીઓને કોઈ મુશ્કેલી ન પડે અને હોસ્પિટલ તંત્રના સિક્યુરિટી ગાર્ડ અને વર્ગ-૪ ના કર્મચારી થી લઈ તજજ્ઞ તબીબો તરફથી સહાનુભૂતિ ભર્યું વલણ અને વ્યવહાર દાખવવામાં આવે અને કોર્પોરેટ કક્ષાની હોસ્પિટલમાં મળતી સેવાઓનો અનુભવ થાય તે પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે.
હોસ્પિટલ એન્ડ પેશન્ટ કેર ઇમ્પ્રુવમેન્ટ મિશન અંતર્ગત ૯૩ હોસ્પિટલોમાં ફરજ બજાવતા તમામ સંવર્ગના કર્મચારીઓ અધિકારીઓને દર્દી અને તેમના સ્વજનો સાથેના વ્યવહારમાં સુધારો લાવવા માટે તાલીમબદ્ધ કરવામાં આવ્યા છે. આ મિશનને સફળ બનાવવા દરેક હોસ્પિટલ અને આરોગ્ય સંસ્થાઓ માટે લાઇઝન ઓફિસર અને નોડલ ઓફિસરની નિમણૂક પણ કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે વિવિધ ઉદ્યોગ ગૃહો અને અન્ય સંસ્થાઓ તરફથી પ્રાપ્ત થતા સી.એસ.આર. ફંડ અને સ્વૈચ્છિક સેવા સંસ્થાઓના સહયોગથી હોસ્પિટલ એન્ડ પેશન્ટ કેર ઇમ્પ્રુવમેન્ટ મિશન હાથ ધરવામાં આવેલ છે. આ મિશન અંતર્ગત કેનેરા બેન્કની ગાંધીનગર શાખા દ્વારા સિવિલ હોસ્પિટલ જીએમઇઆરએસ મેડિકલ કોલેજ સંલગ્ન જનરલ હોસ્પિટલ-ગાંધીનગરને ગોલ્ફકોર્ટનું દાન પ્રાપ્ત થયેલ છે.