કડી સર્વ વિશ્વવિદ્યાલય દ્વારા પાંચ દિવસીય નિવાસી તાલીમ શિબિર યોજાઈ
કડી સર્વ વિશ્વવિદ્યાલય દ્વારા યુવાનોના જીવન ઘડતર માટે સર્વ નેતૃત્વની ૬૮મી નિવાસી તાલીમ શિબિર એમ.એમ. પટેલ હોલ, સર્વ વિદ્યાલય કેમ્પસ કડી ખાતે યોજાઈ જેમાં સર્વ વિદ્યાલયના વિવિધ કોલેજોમાંથી ૭૨ વિધાર્થીઓ જોડાયા હતા. નિવાસી તાલીમ માટે ગાંધીનગરના જાણીતા ટ્રેનર હરેશભાઈ પટેલ ઉપસ્થિત રહી વિધાર્થીઓને પોતાના વ્યક્તિત્વને ઓળખી, સ્પષ્ટતા સાથે ખુશીપૂર્વક પોતાના જીવનનાં લક્ષ્યાંકોને કેવી રીતે પ્રાપ્ત કરી શકાય તેનું સંપૂર્ણ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
ટ્રેનર દ્વારા યુવાનોને ૨૧મી સદીના કૌશલ્ય જેવા કે ક્રિએટિવ થીંકીંગ, કમ્યુનિકેશન સ્કિલ્સ, લીડરશીપ સ્કિલ્સ, સોસીયલ સ્કિલ્સ, એડજસ્ટમેન્ટ, ક્રીટીકલ થીંકીંગ,ફ્લેક્ષીબીલીટી જેવા કૌશલ્યો વિવિધ પ્રવૃત્તિઓના માધ્યમથી સમજણ સાથે શીખવાડવાનો પ્રયાસ કરાયો હતો. કાર્યક્રમમાં ગેસ્ટ સ્પીકર તરીકે નિષ્ઠાબેન ઠાકર ,ઉદયભાઈ જાદવ અને પૂર્વતાલીમાર્થીઓ દ્વારા કરવામાં આવતા સેવાકીય પ્રોજેક્ટ વિશેની વિસ્તૃત માહિતી પણ આપવામાં આવી હતી. કાર્યક્રમના સમાપન સમારોહમાં ગાંધીનગરનાં જાણીતા સમાજસેવક ૧૫૦ વાર બ્લડ ડોનેટ કરનાર સુકેતુભાઈ મહેતા ઉપસ્થિત રહી પોતાના અનુભવોના આધારે રક્તદાનનું મહત્વ અને વિવિધ રક્ત વિષેની રસપ્રદ માહીતિ આપી વિધાર્થીઓને પ્રેરણા પૂરી પાડી હતી. કાર્યક્રમના અંતે શિબિરના તમામા તાલીમાર્થીઓને પર્યાવરણની જાળવણી માટે કાર્યરત ESI, સુઘડ ખાતે મુલાકાત કરાવી હતી.