ત્રણ વર્ષમાં વડોદરા એરપોર્ટને 145 કરોડનું નુકસાન, સુરતને 97 કરોડનું નુકસાન
અમદાવાદ સિવાયના એરપોર્ટનું સંચાલન એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા કરવામાં આવે છે. 10 એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા એરપોર્ટમાંથી માત્ર કંડલા, પોરબંદર, જામનગર એરપોર્ટે છેલ્લા ત્રણ નાણાકીય વર્ષમાં ઓછામાં ઓછો એક વખત નફો કર્યો છે. ગુજરાતના એરપોર્ટનું મેનેજમેન્ટ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા માટે સફેદ હાથી સાબિત થઈ રહ્યું છે. છેલ્લા ત્રણ નાણાકીય વર્ષમાં વડોદરા એરપોર્ટને રૂ. 145.10 કરોડ, સુરત એરપોર્ટને રૂ. 97.27 કરોડ અને રાજકોટ એરપોર્ટને રૂ. 68 કરોડનું નુકસાન થયું છે. આ ઉપરાંત, તમામ એરપોર્ટે સતત ત્રણ નાણાકીય વર્ષથી ખોટ કરી છે. વડોદરા એરપોર્ટ વિશે વાત કરીએ તો, તેને 2019-20માં રૂ. 42.66 કરોડ, 2020-21માં રૂ. 51.22 કરોડ અને 2021-22માં રૂ. 51.22 કરોડનું નુકસાન થયું હતું. આવી સ્થિતિમાં વડોદરા એરપોર્ટ માટે ખોટનો આંકડો ચિંતાજનક છે.
જો સુરત એરપોર્ટની વાત કરીએ તો તેને 2019-20માં રૂ. 27.48 કરોડ, 2020-21માં રૂ. 40.43 કરોડ અને 2021-22માં રૂ. 29.36 કરોડનું નુકસાન થયું હતું. રાજકોટ એરપોર્ટની ખોટ 2020-21ની સરખામણીમાં ઘટી છે. જેમાં તેને 2019-20માં 24.63 કરોડ, 2020-21માં 26.27 કરોડ અને 2021-22માં 17.10 કરોડનું નુકસાન સહન કરવું પડ્યું હતું.
જાણકારોના જણાવ્યા અનુસાર, ફ્લાઇટની યોજના શરૂ કરવામાં આવી હોવા છતાં મુસાફરો તરફથી કોઈ ચોક્કસ પ્રતિસાદ નથી. તેનું મુખ્ય કારણ કનેક્ટિવિટી છે. ઘણા એરપોર્ટ પર દિવસમાં માત્ર એક કે બે ફ્લાઇટ્સ હોય છે. કચ્છમાં રણોત્સવ યોજાઈ રહ્યો છે ત્યારે મુંબઈ અને દિલ્હીથી દરરોજ ઓછામાં ઓછી બે ફ્લાઈટનું સંચાલન કરવું જોઈએ. જેના કારણે રણોત્સવમાં દર્શકોની સંખ્યામાં પણ વધારો થશે. જો કેન્દ્રીય ઉડ્ડયન મંત્રાલય દ્વારા નક્કર આયોજન કરવામાં આવે તો એરપોર્ટને થતું નુકસાન ચોક્કસપણે ઘટાડી શકાય તેમ છે.
છેલ્લા ત્રણ વર્ષમાં ગુજરાતમાં આવેલા એરપોર્ટની યાદી
એરપોર્ટ 2019-20 2020-21 2021-22
ભાવનગર -10.72 કરોડ -7.11 કરોડ -9.31 કરોડ
ભુજ -6.89 કરોડ -5.89 કરોડ -4.15 કરોડ
દીવ -5.33 કરોડ -4.52 કરોડ -5.73 કરોડ
જામનગર -3.53 કરોડ -3.15 કરોડ 1.19 કરોડ
કંડલા -5.11 કરોડ 0.11 કરોડ -2.52 કરોડ
કેશોદ -4.06 કરોડ -5.29 કરોડ -4.25 કરોડ
પોરબંદર -1.92 કરોડ 1.54 કરોડ -6.59 કરોડ
રાજકોટ -24.63 કરોડ -26.27 કરોડ -17.10 કરોડ
સુરત -27.48 કરોડ -40.43 કરોડ -29.36 કરોડ
વડોદરા -42.66 કરોડ -51.22 કરોડ -51.22 કરોડ
(*માઈનસ (-) ચિહ્ન નુકશાન સૂચવે છે)