તલાટીએ હાજરી પત્રકમાં સહી કર્યા બાદ તેની સામે સરપંચની સહી લેવાની રહેશે
વેરાની નબળી વસુલાત બદલ તલાટી કમ મંત્રીઓને ગ્રામ પંચાયતમાં હાજરીપત્રક નિભાવવાનું રહેશે. પરંતુ તલાટી કમ મંત્રીની હાજરીની સામે સરપંચની સહી કરાવવાની રહેશે. ઉપરાંત તલાટી કમ મંત્રીએ ગ્રામ પંચાયતમાં મુવમેન્ટ રજિસ્ટ્રર નિભાવવાનો આદેશ જિલ્લા વિકાસ અધિકારીએ કર્યો છે. જોકે આવા આદેશને પગલે તલાટીઓમાં રોષ ઉઠ્યો છે.
ગ્રામ પંચાયત તરફથી વેરાની વસુલાત 100 ટકા કરવામાં આવે તો તેના આધારે જરૂરી ગ્રાન્ટ રાજ્ય કે કેન્દ્ર સરકારમાંથી આપવામાં આવે છે. પરંતુ વેરાની વસુલાત જ નબળી રહેતા તેની સીધી અસર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોના વિકાસ માટે મળતી ગ્રાન્ટમાં કાપ આવવાની શક્યતા રહેલી છે. ત્યારે વેરાની વસુલાત 100 ટકા કરવા જિલ્લા વિકાસ અધિકારી સુરભી ગૌતમે આદેશ કર્યો હતો. પરંતુ માત્ર 30 ટકા જ વેરાની વસુલાત થતાં તાલુકા વિકાસ અધિકારીઓને નોટીસ ફટકારી હતી.
તેમ છતાં વેરાની વસુલાતની કામગીરી નબળી રહેતા જિલ્લાના તમામ ગામના તલાટી કમ મંત્રીઓને નોટીસ ફટકારવામાં આવી હતી. ઉપરાંત ચાલુ માસના અંત સુધીમાં વેરાની વસુલાત 80 ટકા જેટલી નહી થાય તો શિક્ષાત્મક કાર્યવાહી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ત્યારે હવે વેરાની વસુલાત 100 ટકા કરવા માટે તલાટી કમ મંત્રીઓની ગ્રામ પંચાયત કચેરીમાં કેટલા દિવસની હાજરી રહે છે. તેમજ કેટલા દિવસ તલાટી કમ મંત્રી ગેરહાજર રહે છે તેની જાણકાર થાય તે માટે ગ્રામ પંચાયતમાં હાજરી પત્રક નિભાવવાનો આદેશ કર્યો છે.
ઉપરાંત તલાટી કમ મંત્રીએ હાજરી પૂર્યા બાદ તેની સામે સરપંચની સહી લેવાનો તેમજ તલાટી ગ્રામ પંચાયતમાંથી કોઇ સરકારી કે અન્ય કામગીરી માટે બહાર જાય તો તેના માટે મુવમેન્ટ રજિસ્ટ્ર નિભાવવાનો પણ આદેશમાં ઉલ્લેખ કર્યો છે. જેને લઇને તલાટીઓમાં રોષ ઉઠવા પામ્યો છે. જોકે નામ નહી લખવાની શરતે તલાટીઓએ જણાવ્યું છે કે ગામમાં વેરાની વસુલાતની કામગીરી કડક કરે ત્યારે સરપંચ દ્વારા જ વેરો ભરી દેશે, ગામ છોડીને જતો નહી રહે તેમ કહીને બચાવ કરવામાં આવે છે. ત્યારે તલાટીની સહીની સામે સરપંચની સહી લેવાના આદેશથી કામગીરી કરવી કપરી બની રહેશે. વેરા વસૂલાતની નબળી કામગીરીને પગલે તલાટીઓને હાજરીપત્રક નીભાવવાની જવાબદારી સોંપવામાં આવી છે.