કચ્છના રણમાં ભાજપના નેતાઓએ મીઠી ખારેક ખાધી હોવાની વાત છુપાવવા જયંતી ભાનુશાળીનો ભોગ લેવાયો : પરેશ ધાનાણી
ગાંધીનગર :
ભારતીય જનતા પાર્ટીના નેતા જયંતિ ભાનુશાળીની હત્યા મામલે વિપક્ષે આક્રમક પ્રતિક્રિયા આપતા તેમની રાજકીય હત્યા કરાવવામાં આવી હોવાનો આક્ષેપ લગાવ્યો છે. આ મામલે વિપક્ષે કચ્છમાં બહુ ગાજેલા નલિયા સેક્સકાંડ સાથે પણ જયંતિ ભાનુશાળીની હત્યાના તાર જોડ્યા છે. વિપક્ષના નેતાઓએ આ મામલે યોગ્ય તપાસ કરીને સત્યને બહાર લાવવાની માંગણી કરી છે.
આ જ રાજ્યમાં હરેન પંડ્યાની હત્યા થઈ હતીઃ પરેશ ધાનાણી
વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ જયંતિ ભાનુશાળીની હત્યા મામલે પ્રતિક્રિયા આપતા આ મામલાને હરેન પંડ્યાની હત્યા સાથે જોડ્યો હતો. આ ઉપરાંત તેમણે નલિયાકાંડનો પણ આડકતરો ઉલ્લેખ કર્યો હતો. પરેશ ધાનાણીએ જણાવ્યુ હતુ કે, “ભાજપના નેતાઓએ કચ્છની મીઠી ખારેક ખાધી હતી, આ વાતને છૂપાવવા માટે જયંતિ ભાનુશાળીનો ભોગ લેવાયો છે. આ એ જ રાજ્ય છે જ્યાં પૂર્વ ગૃહમંત્રી હરેન પંડ્યાની હત્યા કરવામાં આવી હતી.” નોંધનીય છે કે કચ્છમાં બહુ ગાજેલા નલિયાકાંડ વખતે એવા આક્ષેપો કરવામાં આવ્યા હતા કે કચ્છના એક બીજેપી નેતા કચ્છની મહેમાનગતિ માણવા આવતા બીજેપીના નેતાઓને છોકરીઓ પૂરો પાડતા હતા. આ મામલે જે તે સમયે ખૂબ હોબાળો થયો હતો.