ભાજપના કચ્છના દિગ્ગજ નેતા જયંતી ભાનુશાળીની ચાલુ ટ્રેનમાં ગોળી મારી હત્યા
અમદાવાદઃ
ભાજપના કચ્છના દિગ્ગજ નેતા જયંતી ભાનુશાળીની ગોળી મારી હત્યા કરવામાં આવી છે. સયાગી નગરી એક્સપ્રેસ ટ્રેન સવાર જયંતી ભાનુશાળીને મોરબી માળીયા મીયાણી વચ્ચે ગોળી મારવાની ઘટના બની છે. મળતી માહિતી મુજબ ચાલુ ટ્રેનમાં તેને ગોળી મારવામાં આવી છે. જયંતી ભાનુશાળી કચ્છ અબડાસાના પૂર્વ ધારાસભ્ય અને પ્રદેશ ભાજપના માજી ઉપ પ્રમુખ હતા. ભાનુશાળી 2007 થી 2012 સુધી અબડાસાના ધારાસભ્ય રહી ચૂક્યા છે.
ગોળી વાગ્યા બાદ જયંતિ ભાનુશાળી ટ્રેનના કોચમાં જ ફસડાઈ પડ્યા હતા. ટ્રેનની સીટમાં જ તેમનો લોહીથી લથબથ મૃતદેહ પડ્યો હતો. સયાજીનગરી (ટ્રેન નંબરઃ 19116)માં કટારિયા-સુરજબારી વચ્ચે તેમની હત્યા કરી નાખવામાં આવી હતી.
એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે ટ્રેનમાં જ મુસાફરના સ્વાંગમાં રહેલા કોન્ટ્રાક્ટ કિલરે તેમની હત્યા કરી નાખી હતી. કોચમાં ફાયરિંગનો અવાજ ન આવે તે માટે ગન પર સાયલેન્સર લગાવીને ફાયરિંગ કરવામાં આવ્યું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
મળતી માહિતી પ્રમાણે જયંતિ ભાનુશાળીના કોચમાં રહેલા પવન મોરી નામના એક પેસેન્જરે ગોળીબાર અંગેની જાણકારી ટ્રેનના ટીટીઈ (ટ્રેન ટિકિટ એક્ઝામિનર)ને જાણ કરી હતી. સુરજબારી પાસે પવન મોરી ઊંઘમાંથી જાગ્યો ત્યારે તેમણે જયંતિ ભાનુશાળીને લોહીથી લથપથ હાલતમાં જોયા હતા. આ મામલે માળિયા પોલીસે પવન મોરીની પૂછપરછ કરી છે.
રાત્રે 1:30 વાગ્યે કંટ્રોલ રૂમને માહિતી મળી હતી કે સયાજીનગર(19116) ટ્રેનના એચી કોચમાં જયંતિ ભાનુશાળી નામના વ્યક્તિને કોઈ અજાણ્યા વ્યક્તિએ ગોળી મારીને હત્યા કરી નાખી છે. ટ્રેનને રાત્રે 2:00 વાગ્યે માળિયા રેલવે સ્ટેશન ખાતે રોકવામાં આવી હતી. અહીં 108ને બોલાવવામાં આવી હતી. માહિતી મળતા જ આરપીએફ અને જીઆરપીએફના કર્મીઓ કોચમાં પહોંચી ગયા હતા.