મુખ્યમંત્રીશ્રીના હસ્તે ફીલિંગ્સ પ્રાઇડ ઓફ ઇન્ડિયા એવોર્ડ- ૨૦૨૩ અર્પણ કરાયા
ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે વિવિઘ ક્ષેત્રોના પ્રતિભાવાન મહાનુભાવોનું ફીલિંગ્સ પ્રાઇડ ઓફ ઇન્ડિયા એવોર્ડ- ૨૦૨૩થી સન્માન કરતા જણાવ્યું હતું કે, ગુજરાતી હંમેશા સેવા કાર્યમાં અગ્રેસર છે. સ્વહિતના સ્થાને ગુજરાતીઓએ રાષ્ટ્રહિતને હંમેશા પ્રાધાન્ય આપ્યું છે. રાજયના વિકાસને નવો રાહ ચીંઘનારા પ્રતિભાશાળી ઇનાવેટર્સના સહયોગી બનવું એ અમારી સરકારનો ઘ્યેય છે.
મુખ્યમંત્રીશ્રીએ આનંદ વ્યક્ત કરી જણાવ્યું હતું કે વિશ્વ નેતા, યશસ્વી વડાપ્રધાન અને ગુજરાતના સપૂત શ્રી નરેન્દ્ર ભાઈ મોદી ફરી એકવાર વિશ્વના લોકપ્રિય નેતા બન્યા છે. તે વાત સર્વે ગુજરાતીઓ માટે આનંદની વાત છે.
સમાજ જીવનમાં દરેક ક્ષેત્રના શ્રેષ્ઠ વ્યક્તિત્વનું સન્માન કરવું એ ખરેખર પ્રશંસનીય કાર્ય છે, તેવું કહી મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, છેલ્લા ૨૫ વર્ષથી પ્રિન્ટ મીડિયા ક્ષેત્રે વિશ્વભરના ગુજરાતીનું માનીતું પારિવારિક મેગેઝિન ફીલિંગ્સ દ્વારા પ્રાઇડ ઓફ ઇન્ડિયા એવોર્ડ- ૨૦૨૩ આપવામાં આવ્યો છે. તે એવોર્ડથી સન્માનિત સર્વેને અભિનંદન પાઠવું છું.
મુખ્યમંત્રીશ્રીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, પ્રઘાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ સમગ્ર વિશ્વમાં દેશને આગવી ઓળખ આપી છે. ત્યારે તેમના માર્ગદર્શન હેઠળ ગુજરાતે પણ વિકાસના શ્રેષ્ઠ પરિણામો હાંસલ કર્યા છે. પ્રત્યેક ગુજરાતી ગૌરવ લઇ શકે તે પ્રકારે ગુજરાતનો વિકાસ થઇ રહ્યો છે.
આ પ્રસંગે ઇફકો ગ્રુપના ચેરમેન શ્રી દિલીપ સંઘાણી ફીલિંગ્સ ગ્રુપના ચેરમેન શ્રી અતુલભાઇ શાહ, પૂર્વ કેન્દ્રિય મંત્રી શ્રી ડો. વલ્લભભાઈ કથારીયા, અમેરિકાના ઉદ્યોગપતિ શ્રી રાહુલ શુક્લા, નારાયણ હાઇટ્સ ગ્રુપના ચેરમેન શ્રી ગોપીરામ ગુપ્તા, જાણીતા હાસ્ય કલાકાર શ્રી શાહબુદ્દીન રાઠોડ અને પૂર્વ જજ શ્રી પ્રદીપ ભટ્ટ સહિત આમંત્રિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા