દહેગામમાં ધોરણ 10માં 90થી વધુ ટકા લાવોને સાંદિપનિ ગુરુકુળમાં ધોરણ-11માં મફત ભણો
વર્તમાન સમયમાં મોંઘુ થઇ રહેલું શિક્ષણને પગલે ધોરણ-10 પછી સાયન્સમાં પોતાના બાળકોને અભ્યાસ કરાવવો આર્થિક રીતે મોંઘું બની ગયું છે. ત્યારે દહેગામની સાંદિપની ગુરુકુળ વિદ્યાલય દ્વારા તેના વાર્ષિકોત્સવના કાર્યક્રમ પ્રસંગે અનોખી જાહેરાત કરી હતી. આ વર્ષે લેવાનારી ધોરણ 10ની પરીક્ષામાં સમગ્ર દહેગામ તાલુકામાં 90 કે તેથી વધુ ટકા લાવનાર વિદ્યાર્થી જો સાંદીપની ગુરુકુળ વિદ્યાલયમાં ધોરણ 11 સાયન્સમાં પ્રવેશ લેશે. તેને તે સમગ્ર વર્ષ દરમિયાન મફત શિક્ષણ આપવામાં આવશે. ધોરણ 10 પછી વિજ્ઞાન પ્રવાહમાં પોતાના સંતાનોને ભણાવવાનું સપનું ઘણા વાલીઓ જોતા હોય છે. પરંતુ ધોરણ 11 થી સાયન્સ પ્રવાહનું શિક્ષણ મોંઘુ પડતું હોવાથી અસંખ્ય વાલીઓ આર્થિક રીતે ન પહોંચી વળવાને લીધે પોતાના સંતાનોને કોમર્સ, આર્ટસ, કે ડિપ્લોમા જેવા કોઈ સર્ટિફિકેટ કોર્સમાં એડમિશન કરાવી ભણાવે છે.દહેગામ તાલુકાની કોઈપણ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થી કે વિદ્યાર્થીની ધોરણ 10 માં 90 ટકા કે તેથી વધુ માર્કસ મેળવે તેને ધોરણ 11 સાયન્સમાં મફત શિક્ષણ આપવાની જાહેરાત સાંદિપની ગુરૂકુળ સ્કુલના સંચાલકોએ વાર્ષિકોત્સવ કાર્યક્રમમાં કરી હતી.
જોકે કોરોનાકાળમાં અસંખ્ય પરિવારોએ ગંભીર બીમારીના કારણે તેમના ઘરના મોભી ગુમાવ્યા હતા. તેવા સમયમાં દહેગામ શહેરમાં આવેલી સાંદિપની ગુરુકુળ વિદ્યાલયના સંચાલકો એક સંવેદનશીલ નિર્ણય લીધો હતો. જેમાં જે કોઈ વિદ્યાર્થીના પિતાનું કોરોનાની મહામારીથી અવસાન થયું છે. તેવા વિદ્યાર્થીની શાળા તરફથી એક વર્ષની સો ટકા ફી માફ કરવામાં આવી હતી. જેનો લાભ નવ જેટલા વિદ્યાર્થીઓએ લીધો હતો.