ગુજરાત

ધી ગુજરાત સ્ટેટ કો-ઓપરેટીવ ક્રેડિટ સોસાયટીઝ ફેડરેશનનો ‘રજત જયંતિ’ મહોત્સવ અડાલજ ખાતે યોજાયો

ધી ગુજરાત સ્ટેટ કો-ઓપરેટીવ ક્રેડિટ સોસાયટીઝ ફેડરેશનનો ‘રજત જયંતિ’ મહોત્સવ અને સ્થાપક ચેરમેન શ્રી ઘનશ્યામભાઈ અમીનનો ‘અમૃત મહોત્સવ’ આજરોજ અન્નપૂર્ણાધામ, અડાલજ ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમ સહકાર મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા અને કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલની ઉપસ્થિતિમાં યોજાયો હતો.
આ પ્રસંગે સહકાર મંત્રી શ્રી જગદીશભાઇ વિશ્વકર્માએ રાજ્યભરમાંથી આવેલા વિવિધ ક્રેડિટ સોસાયટીઓના પ્રતિનિધિઓ પાસેથી આ ક્ષેત્રમાં સુચારું કામગીરી કરવા માટે શું શું તકલીફો પડે છે, તેની માહિતી તેમના સ્વમુખે મેળવી હતી. મંત્રીશ્રીએ સર્વે સોસાયટીના પ્રતિનિધિશ્રીઓને ભારપૂર્વક જણાવ્યું હતું કે, આપની કોઈપણ સમસ્યા કે સહકાર ક્ષેત્રના વિકાસ માટે કોઈ ઉમદા વિચાર હોય તો તે બાબતે અવશ્ય અમારી સરકારનું ધ્યાન દોરવું. જેથી કરી આપણે એક ઉમદા સહકારી ક્ષેત્રનું નિર્માણ કરી શકીએ.
તેમણે ઉમેર્યું હતું કે, સહકારી ક્ષેત્રને કઈ દિશામાં લઈ જવાનું છે, તે આપણે સૌએ સાથે મળીને નક્કી કરવાનું છે.એ દિશામાં સહકાર ક્ષેત્રનો વિકાસ કરવાનો છે. હજુ પણ વધુને વધુ સહકારી ક્રેડિટ સોસાયટીઓ અને મંડળીઓની રચના થાય તેવું ઉમદા વાતાવરણ ઉભું કરવાનું છે. સહકારીતા એક એવો મજબૂત પાયો છે કે, જે ગ્રામ્ય વિસ્તારના વિકાસમાં ખૂબ મહત્વની ભૂમિકા અદા કરે છે. સહકારી મંડળીઓ થકી જ આજે ગ્રામ્ય વિસ્તારના નાના-મોટા ધંધા રોજગાર કરતા અને મજૂર વર્ગ વ્યાજખોરોના ચુંગલમાંથી બચી શક્યા છે. ગુજરાત સહકારી ક્ષેત્રે દેશભરમાં નંબર વન છે, એનો આનંદ વ્યક્ત કરી મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે આજે રાજ્યમાં ૬૨૦૦ જેટલી મંડળીઓ કાર્યરત છે. જેના ૪૮ લાખ જેટલા સભાસદો છે. રૂપિયા ૧ હજાર કરોડથી પણ વધુની ડિપોઝિટ છે.
રાજ્યના કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે, ઘનશ્યામભાઈ અમીનની સહકારી ક્ષેત્રેની કામગીરી ખૂબ જ ઉમદા છે. તેમણે પોતાનું સમગ્ર જીવન સહકારી ક્ષેત્રની પ્રગતિ માટે સમર્પિત કર્યું છે. આ ક્ષેત્રના વિધવાન, સારા લેખક સાથે સાથે સહકારી ક્ષેત્રેની વિવિધ સમસ્યાઓ અને પ્રશ્નોને સરકાર સુધી પહોંચાડવા માટે તેઓએ સેતુરૂપ ભૂમિકા અદા કરી છે. તેની સાથે તેમણે ગુજરાતની નાની નાની ક્રેડિટ સોસાયટી અને મંડળીઓને એકઠી કરી આ ફેડરેશન બનાવવાની ઉમદા કામગીરી કરી છે. તેમણે ઘનશ્યામભાઈના દીર્ઘાયુ આયુષ્ય અને સ્વસ્થ સ્વાસ્થ્ય માટેની શુભકામનાઓ પણ પાઠવી હતી. મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીએ શાસનધુરા સંભાળી તેની સાથે સહકાર વિભાગ એક વિભાગ તરીકે દેશમાં અસ્તિત્વમાં આવ્યું છે. સહકાર ક્ષેત્રની પ્રગતિ થાય તે માટે તેમણે આ વિભાગની જવાબદારી આ ક્ષેત્રે અનુભવી અને ગુજરાતના સપૂત શ્રી અમિતભાઈ શાહને સોંપી છે. સહકાર ક્ષેત્રનો વધુને વધુ મજબૂત કરી રાજ્યની વિકાસ ગતિને વધુ તેજ બનાવવા આ સરકાર કટિબદ્ધ છે.
આ પ્રસંગે મહાનુભાવો ના હસ્તે ફેડરેશનના સ્મૃતિગ્રંથનું વિમોચન કરવામાં આવ્યું હતું. રાજ્યની વિવિધ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનાર સોસાયટીઓનું શિલ્ડ તથા પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. સોસાયટીઝની વેબસાઈટ નું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x