ઓર્ગેનિક ખેતીથી ઉત્પાદિત પાકના વેચાણનું આયોજન કરવા માગણી
સરકારે વર્ષ-2023-24નું અંદાજપત્ર રજુ કર્યું છે. જેમાં રાજ્ય સરકારે ખેતી ઉપર વિશેષ ભાર આપ્યો છે. જેમાં લોકો રાસાયણિક ખાતર અને જંતુંનાશક દવાનો ઓછો ઉપયોગ અથવા બંધ કરે તે માટે ઓર્ગેનિક ખેતીને વિશેષ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. લોકો કેન્સર જેવી બિમારીઓથી મુક્તિ મળે તે માટે દેશી ગાય આધારીત ખેતી કરવા માટે બજેટમાં વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. ઉપરાંત દેશી ગાયના નિભાવ માટે રૂપિયા 203 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
કેન્સર જેવી બિમારીઓને નાથવા માટે ઓર્ગેનિક ખેતી કરવા માટે ખેડુતો પ્રેરાય તે માટે રાજ્ય સરકારે બજેટમાં નાણાંકિય જોગવાઇ કરી છે. પરંતુ ઓર્ગેનિક ખેડુતોના પાકનું વેચાણ ક્યાં કરવું, તેના માટે ખેડુતોને પોષાય તેવા પોષણક્ષમ ભાવો આપવા સહિતનો કોઇ જ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. ઉપરાંત બટાટા, ડુંગળી, લસણ અને એરંડાની પણ ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે તેવી માંગણી ભારતીય કિસાન સંઘે કરી છે.
પરંતુ ગાય આધારીત ખેતી બાદ ખેતરમાં ઉપજ થતો પાકનું વેચાણ ક્યાં કરવું તેનો કોઇ જ ઉલ્લેખ બજેટની સ્પિચમાં કરવામાં આવ્યો નથી. આથી ઓર્ગેનિક ખેતી કરતા ખેડુતોને પાકનો પોષણક્ષમ ભાવ મળી રહેશે કે નહી તેનું પણ આયોજન કરવામાં આવ્યું હોવાનો કોઇ જ વાત કરવામાં આવી નહી હોવાનું ભારતીય કિસાન સંઘે જણાવ્યું છે.
વધુમાં ખેત પાકો એપીએમસી ખરીદી કરી નહી શકવાના કારણે ખેડુતોને ખેત પેદાશના પોષણક્ષમ ભાવો નહી મળવાથી આર્થિક નુકશાન વેઠવાની ફરજ પડે છે. જેને પરિણામે હાલમાં બટાટા, ડુંગળી, લસણ અને એરંડા જેવા પાકના પોષણક્ષમ ભાવ નહી મળવાથી ખેડુતોને મોંઘા ભાવનું બિયારણ, પાણી, દવા અને ખાતર સહિતના ખર્ચ માથે પડી રહ્યો હોવાની સ્થિતિ ઉભી થવા પામી છે. આથી આવા પાકોના પણ પોષણક્ષમ ભાવ આપવામાં આવે તેવું કોઇ જ આયોજન બજેટમાં કરાયું નથી.