ધર્મ દર્શન

કેદારનાથ-બદ્રીનાથ મંદિરમાં મોબાઇલ ફોન લઇ જવા પર પ્રતિબંધ મૂકવામાં આવશે

પૂજારીને દક્ષિણા ન આપવી આપવા, કર્મચારીઓ માટે ડ્રેસકોડ તથા શ્રધ્ધાળુઓ માટે પણ પહેરવેશ નિશ્ચીત કરવા સહિતની માર્ગદર્શિકા જાહેર થશે

હિન્દુઓની પવિત્ર ચારધામ યાત્રા આગામી એપ્રિલ માસથી શરૂ થવાની છે તે પૂર્વે મંદિરમાં મોબાઇલ ફોન લઇ જવા પર અને વિડીયો બનાવવા પર પ્રતિબંધ મૂકવાની ગંભીરતાપૂર્વક વિચારણા શરૂ કરવામાં આવી છે. ગત વર્ષે ઘણા યુ-ટયુબર અને બ્લોગરને કારણે મુશ્કેલીઓ થઇ હતી જેને ધ્યાનમાં રાખીને બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિ દ્વારા મંદિરની અંદર મોબાઇલ લઇ જવા પર પ્રતિબંધ મૂકવાની વિચારણા શરૂ કરવામાં આવી છે. આ સિવાય મંદિરના પૂજારી કે કર્મચારી શ્રધ્ધાળુઓ પાસેથી સીધી દાન-દક્ષિણા ન લઇ શકે તે માટે પણ વિચારણા કરવામાં આવી રહી છે.
દાનના સ્વરૂપમાં આવનારા નાણાંની ગણતરી પારદર્શી રહે તે માટે શ્રેણીબધ્ધ પગલા, વિચારણા હેઠળ છે. સીસીટીવી કેમેરાની દેખરેખ હેઠળ જ સરકારી અધિકારીની હાજરીમાં દાનના નાણાંની ગણતરી કરવાની તૈયારી છે. આ ઉપરાંત મંદિરના અધિકારીઓ તથા કર્મચારીઓ માટે અલગ ડ્રેસ પણ નકકી કરવામાં આવે તેવી શકયતા છે. તિરૂપતિ બાલાજી, વૈશ્નવ દેવી, ઉજજૈન મહાકાલ તથા સોમનાથ મંદિરના વહીવટી નિર્ણયોનો બદ્રીનાથ-કેદારનાથ વહીવટી સમિતિ દ્વારા અભ્યાસ કરવામાં આવ્યો છે અને તેના દ્વારા સમિતિને અનેક ભલામણો કરવામાં આવી છે.
મંદિર સમિતિના અધ્યક્ષ અજેન્દ્ર અજયે જણાવ્યું કે મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી સાથે ચર્ચા-વિચારણા કરાયા બાદ માર્ગદર્શિકા જારી કરવામાં આવશે. અભ્યાસ ટીમ દ્વારા એમ પણ જણાવવામાં આવ્યું છે કે દેશના કેટલાક વિખ્યાત મંદિરોમાં શ્રધ્ધાળુ માટે નિયમો લાગુ થયેલા છે. જેમાં ડ્રેસકોડનો સમાવેશ થાય છે. આ મુદે પણ મંદિર સમિતિ નિર્ણય લઇ શકે છે. કેદારનાથ-બદ્રીનાથમાં આવનાર દર્શનાર્થી શ્રધ્ધાળુઓ માટે હિન્દુ સંસ્કૃતિને અનુરૂપ અને મંદિરની ગરિમા જળવાઇ તે પ્રકારના પહેરવેશ ફરજીયાત કરવાનું પણ નકકી થઇ શકે છે.
દરમિયાન બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિ દ્વારા પૂજારી તથા કર્મચારીઓને દાન-દાક્ષિણા આપવા પર રોક અને શ્રધ્ધાળુઓ માટે ગરિમા ધરાવતા કપડા પહેરવાનું ફરજીયાત કરવા જેવા નિયમો ઘડવામાં આવી રહ્યા છે. જે સામે તીર્થ પુરોહિતમાં નારાજગી સર્જાઇ છે. ચારધામના તીર્થ પુરોહિતોનું કહેવું છે કે સમિતિએ માત્ર શ્રધ્ધાળુઓની સુવિધા અને વ્યવસ્થા પર જ ધ્યાન કેન્દ્રીત કરવું જાઇએ. કમીટીના અધિકાર ક્ષેત્રની બહાર જઇને કામગીરી કરી જ રહ્યા છે તે યોગ્ય નથી.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x