વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગ્લોબલ વેલ્થ ફંડ સાથે 18મી જાન્યુઆરીએ રાઉન્ડ ટેબલ બેઠક કરશે : મુખ્ય સચિવ ડૉ .સિંહ
ગાંધીનગર :
વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ અંગે રાજ્યના મુખ્ય સચિવ ડૉ.જે.એન.સિંહે જણાવ્યું કે ‘શેપીંગ અ ન્યુ ઇન્ડિયા’ થીમ પર યોજાઈ રહેલી આ સમિટ વડાપ્રધાનના ‘નયા ભારત’ના નિર્માણના સંકલ્પને સાકાર કરવાની દિશામાં એક મહત્વનું પગલું બની રહેશે. 18મી જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વાઈબ્રન્ટ સમિટનું ઉદ્ઘાટન કરશે ત્યારબાદ આ જ દિવસે સાંજે વડાપ્રધાન ગ્લોબલ ફંડના સીઇઓ સાથે રાઉન્ડ બેઠક યોજશે.
ભારતમાં પ્રથમ વાર જ ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ ફંડના સીઈઓ સાથે વડાપ્રધાનની બેઠક થવા જઈ રહી છે. આવા ગ્લોબલ ફંડો પાસે લાખો કરોડ રૂપિયા ઇન્વેસ્ટમેન્ટ કરવાની ક્ષમતા છે. આ વાઇબ્રન્ટ સમિટમાં દેશના ટોચના ઉદ્યોગપતિઓ પણ ઉપસ્થિત રહેશે જેમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનાં માલિક મુકેશ અંબાણી અદાણી જૂથના ગૌતમ અદાણી લાર્સન એન્ડ ટુબ્રોના નાયર એચડીએફસી બેન્કના દીપક પારેખ ઉપરાંત મહેન્દ્ર મહેન્દ્ર જૂથ તથા ટાટા જૂથના સહિતના અનેક ટોચના ઉદ્યોગપતિઓ હાજર રહેશે.
મુકેશ અંબાણીના નાના ભાઈ અનિલ અંબાણી આજે રહેશે કે કેમ તે અંગે સરકાર દ્વારા કોઈ પ્રકારની સ્પષ્ટતા કરવામાં આવી નથી. આ સમિટમાં વેપાર અને નિકાસને મજબૂત બનાવવા, સેવા ક્ષેત્રનો વિકાસ તથા યુવાનોની સહભાગિતા અને સશક્તિકરકણ તેમજ નયા ભારતના નિર્માણમાં અગ્રેસર રાજ્ય તરીકે ગુજરાતને પ્રસ્થાપિત કરવા જેવી બાબતોને અગ્રતા આપવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જ્યારે સમગ્ર વિશ્વ ડિજીટલ યુગમાંથી પસાર થઇ રહ્યું છે ત્યારે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ એ ગુજરાતને એડવાન્સ ટેકનોલોજી ક્ષેત્રે અગ્રેસર બનાવવા માટેની એક મહત્વની તક બની રહેશે.
વિશ્વભરમાં ગુજરાતની આગવી ઓળખ બની રહેલી ગુજરાત સરકારની ફ્લેગશીપ ઈવેન્ટ એવી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2019ની નવમી શૃંખલાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. અગાઉ વર્ષ 2017માં યોજાયેલ વાઈબ્રન્ટ સમિટને વૈશ્વિક સ્તરે ખુબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો ત્યારે આ વર્ષે યોજાનાર સમિટ સૌ કોઈની નજર મંડાયેલી છે કે, સમિટમાં કયા દેશોના પ્રતિનિધિઓ, ઉદ્યોગ સાહસિકો અને દેશના વડાઓ સહભાગી બનશે. વાઈબ્રન્ટ સમિટની આ આવૃત્તિમાં કેટલીક નવી ઈવેન્ટ્સ ઉમેરવામાં આવી છે જેના લીધે આ સમિટ અગાઉની સમિટ કરતા વિશિષ્ટ બની રહેશે.
આ વખતની વાઈબ્રન્ટ સમિટમાં કેવી કેવી ઈવેન્ટ છે?
ગુજરાત સ્પ્રિન્ટ – 2022 ગુજરાતનું ભાવિ વિકાસદર્શન
– વાઈબ્રન્ટ ગુજરાત – આફ્રિકા ડે
– મેગા ટ્રેડ શો અને બાયર-સેલર મિટ
– મેઈક ઇન ઇન્ડિયાની સાફલ્યગાથા વર્ણવતું પ્રદર્શન
– 20 કન્ટ્રી સેમિનાર અને 7 સ્ટેટ સેમિનાર
– દુબઈ શોપિંગ ફેસ્ટિવલની જેમ જ અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલનું આયોજન
– સાયન્સ સિટી અમદાવાદ ખાતે ‘ભવિષ્યની ટેકનોલોજીનું પ્રદર્શન અને નાસાના સહયોગથી સ્પેસ એકસપ્લોરેશન’ વિષયક પ્રદર્શન
– સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરીંગ એન્ડ મેથેમેટિક્સ (STEM) વિષય પર રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ
– ગુજરાતના 4 શહેરોમાં વાઈબ્રન્ટ ગુજરાત યુથ કનેક્ટ ઈવેન્ટ્સ