રાજ્યમાં 12703 કરોડના સંભવિત રોકાણના CMની હાજરીમાં સમજૂતી કરાર
રાજ્યમાં ઉદ્યોગોને આત્મનિર્ભરતા માટે સહાયની ‘ધ આત્મનિર્ભર ગુજરાત સ્કીમ્સ ફોર આસિસ્ટન્સ ટુ ઇન્ડસ્ટ્રિઝ’ યોજના રાજ્ય સરકારેઓક્ટોબર-2022માં જાહેર કરી હતી. આ યોજના અંતર્ગત રાજ્યમાં જુદાજુદા સ્થળોએ ઉદ્યોગો શરૂ કરવા રોકાણો માટેના 16 જેટલા એમ.ઓ.યુ સોમવારે તા.13મી માર્ચે એક જ દિવસમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતીમાં સંપન્ન કરવામાં આવ્યા હતા. આ 16 જેટલા બહુવિધ મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડીંગ (MOU)ને પરિણામે રાજ્યમાં રૂપિયા 12703 કરોડનું સંભવિત રોકાણ તેમજ 13880 સૂચિત રોજગારીની વ્યાપક તક ઊભી થશે.
ઑક્ટોબર 2022માં શરૂ કરવામાં આવેલી ‘ધ આત્મનિર્ભર ગુજરાત સ્કીમ્સ ફોર આસિસ્ટન્સ ટુ ઇન્ડસ્ટ્રિઝ’ યોજના અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 54852 કરોડના સૂચિત રોકાણોના 20 એમ.ઓ.યુ થયા છે. આના પરિણામે 24700થી વધુ સૂચિત રોજગાર અવસર મળવાના છે. ઉદ્યોગમંત્રી બલવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં સોમવારે થયેલા વધુ 16 એમ.ઓ.યુ. સાથે કુલ 36 એમ.ઓ.યુ. રૂપિયા 67 હજાર 555 કરોડના સૂચિત રોકાણો માટે થયા છે અને અંદાજે 38631 લોકોને રોજગારી મળશે.
સોમવારે તારીખ 13મી માર્ચે થયેલા બહુવિધ એમ.ઓ.યુ. અન્વયે કેમિકલ એન્ડ ડાયઝ, એગ્રોકેમિકલ્સ, સ્પેશિયાલિટી કેમિકલ્સ, ગોલ્ડ રિફાઈનિંગ એન્ડ પ્રોસેસિંગ, સેફ્ટી પ્રોટેક્ટવેર, ફૂડ વર્ક્સ, કાર્બનિક કેમિકલ્સ અને સોલાર મોડ્યુલ તથા સેલ મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં રોકાણો આવશે. મોટાભાગના ઉદ્યોગો 2024-25 સુધીમાં પોતાનું ઉત્પાદન શરૂ કરશે તેમ જ આ ઉદ્યોગો પૈકી દહેજ ઉદ્યોગ વસાહતમાં 5, સાણંદ અને ભરૂચના ઝઘડીયામાં 3-3, પાનોલીમાં 2 તેમજ ભીમાસર, નવસારી, અને સાયખા ઉદ્યોગ વસાહતોમાં 1-1 ઉદ્યોગો શરૂ થવાના છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારની આ ‘ધ આત્મનિર્ભર ગુજરાત સ્કીમ્સ ફોર આસિસ્ટન્સ ટુ ઇન્ડસ્ટ્રિઝનો યોગ્ય લાભ અને જરૂરી મદદ સહાય ઉદ્યોગોને પૂરી પાડવાની પ્રતિબદ્ધતા આ તકે દર્શાવી હતી. ત્યારે ઉદ્યોગમંત્રી બલવંતસિંહ રાજપૂતે દેશના ગ્રોથ એન્જીન ગુજરાતની આ યોજના રાજ્યમાં ઉદ્યોગ-રોકાણોને વધુ આકર્ષિત કરશે તેવો વિશ્વાસ દર્શાવ્યો હતો.