24 કલાક બાદ વાતાવરણ પલાટાશે, 5 અને 6 એપ્રિલે માવઠાંની શક્યતા
ઉ.ગુ.માં ગરમી 1 ડિગ્રી વધી, મંગળવારે ગરમી સ્થિર રહ્યા બાદ સપ્તાહના અંત સુધીમાં 2 થી 4 ડિગ્રી ઘટશે
ઉત્તર ગુજરાતમાં સોમવારે ગરમીનું પ્રમાણ એક ડિગ્રી સુધી વધ્યું હતું. આ સાથે 5 શહેરોમાં ગરમીનો પારો 35.3 થી 37 ડિગ્રીની વચ્ચે રહ્યો હતો. 37 ડિગ્રી સાથે પાટણ ઉત્તર ગુજરાતનું સૌથી ગરમ શહેર રહ્યું હતું. આ દરમિયાન બપોરે 12 થી સાંજે 5 વાગ્યા સુધી માથુ ફાડે તેવા ઉકળાટ સાથે ગરમી અનુભવાઇ હતી. હવામાન વિભાગની આગાહી મુજબ, મંગળવારે ઉત્તર ગુજરાતમાં ગરમીનો પારો લગભગ સ્થિર રહી શકે છે. ત્યાર બાદ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને પશ્ચિમ રાજસ્થાનમાં સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમના કારણે 5 એપ્રિલને બુધવારથી ઉત્તર ગુજરાતના વાતાવરણમાં પલટો આવી શકે છે.
5 એપ્રિલે બનાસકાંઠા અને સાબરકાંઠા તેમજ 6 એપ્રિલના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના છુટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ અને ભારે પવન સાથે હળવું માવઠું થઇ શકે છે. આ દરમિયાન કેટલાક વિસ્તારોમાં કરા પડવાની શક્યતા છે. બીજી બાજુ વરસાદી માહોલના કારણે સપ્તાહના અંત સુધીમાં ઉત્તર ગુજરાતના તાપમાનમાં 2 થી 4 ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા છે.
ડિઝાસ્ટર વિભાગના સૂત્રો જણાવ્યું હતું કે\” હવામાન વિભાગ અમદાવાદ દ્વારા ઈ-મેલથી જાણ કરે છે કે બનાસકાંઠા જિલ્લામાં 5થી 7 એપ્રિલમાં વરસાદની આગાહી હોવાથી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓમાં ખુલ્લામાં રાખવામાં આવેલા અનાજ તેમજ ખુલ્લામાં રાખવામાં આવેલા અનાજની બોરીઓ વરસાદથી અનાજ બગડી ન જાય તેની અવચેતી રાખવા તમામ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ સબ સેન્ટરને તાકીદ કરવામાં આવી છે.જેને લઇ ડિઝાસ્ટર મામલતદાર દ્વારા જિલ્લા પુરવઠા અધિકારી સહિત ખેતીવાડી રજીસ્ટાર અને બાગાયત નિયામકને જાણ કરવામાં આવી છે.