ગાંધીનગર જિલ્લામાં ઉનાળુ પાકનું ત્રણ વર્ષની સરખામણીએ વધુ વાવેતર
માવઠાની આગાહી વચ્ચે છેલ્લા ત્રણ વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે ઉનાળુ પાકનું વાવેતર 1868 હેક્ટરમાં વધારે વાવેતર થવા પામ્યું છે. જોકે છેલ્લા ત્રણેક વર્ષ સુધી સરેરાશ 23187 હેક્ટર વાવેતર થતું હતુું. જ્યારે તેની સામે ચાલુ વર્ષે 25055 હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું છે. જોકે બાજરી, મગ, મગફળી, તલ, શાકભાજી સહિતનું વાવેતર કરવામાં આવ્યું છે. ગત ચોમાસામાં વરસાદ સારો થતાં ખેડુતો માટે આખુ વર્ષ સારૂ રહ્યું છે. તેમ છેલ્લા ત્રણ વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે થયેલા ઉનાળું પાકના વાવેતર ઉપરથી લાગી રહ્યું છે.
જિલ્લા ખેતીવાડી વિભાગના જણાવ્યા મુજબ ચાલુ વર્ષે ઉનાળુ પાક તરીકે બાજરીનું 7202 હેક્ટરમાં, મગનું 16 હેક્ટરમાં, મગફળીનું 6 હેક્ટરમાં, તલનું 6 હેક્ટરમાં શાકભાજીનું 4745 હેક્ટરમાં, ઘાસચારાનું 13020 હેક્ટરમાં ડાંગરનું 60 હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું છે. જોકે આગામી સમયમાં હજુય ઉનાળું પાકનું વાવેતર વધવાની શક્યતા રહેલી છે. જિલ્લાના ચાર તાલુકામાં થયેલા વાવેતરમાં દહેગામમાં 9130 હેક્ટર, ગાંધીનગર તાલુકામાં 6599 હેક્ટર, કલોલ તાલુકામાં 3446 હેક્ટર અને માણસા તાલુકામાં 5880 હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું છે.
જોકે જિલ્લામાં ઉનાળું પાકનું વાવેતરમાં ચાલુ વર્ષે વધારો થવા પામ્યો છે. પરંતુ તેની સાથે સાથે એક માત્ર માણસા તાલુકા સિવાય અન્ય ત્રણ તાલુકામાં 100 ટકાથી વધારે વાવેતર થવા પામ્યું છે. તેમાં દહેગામમાં 115.72 ટકા, ગાંધીનગર તાલુકામાં 109.01 ટકા, કલોલ તાલુકામાં 109.77 ટકા અને માણસા તાલુકામાં 96.34 ટકા વાવેતર થવા પામ્યું છે. જોકે ડાંગરની દહેગામ અને કલોલ તાલુકામાં જ વાવેતર થયું છે. તેજ રીતે મગફળી અને તલનું વાવેતર માત્ર ગાંધીનગર તાલુકામાં જ કરવામાં આવ્યું છે. જોકે ચાલુ વર્ષે કલોલ તાલુકામાં પણ શાકભાજીનું માત્ર 71 હેક્ટરમાં જ વાવેતર કરાયું છે.