ગુજરાતમાં રાજ્ય સરકાર દ્વારા ખાસ આતિથ્ય સત્કાર કરાશે:વડાપ્રધાન મોદીના હસ્તે 17મીએ સૌરાષ્ટ્ર-તામિલ સંગમનો પ્રારંભ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 17 એપ્રિલના રોજ સોમનાથ ખાતે સૌરાષ્ટ્ર-તમિલ સંગમ કાર્યક્રમનું લોકાર્પણ કરશે, જેનું આયોજન મૂળ સૌરાષ્ટ્રવાસીઓ કે જેઓ વર્ષો પહેલા વેપાર અને રોજગારના કારણોસર સૌરાષ્ટ્રથી તમિલનાડુમાં સ્થળાંતર કરીને સૌરાષ્ટ્ર અને ગુજરાત સાથે ફરીને જોડાયા હતા. આ કાર્યક્રમ માટે મોદી સોમનાથની ટૂંકી મુલાકાત લેશે તેવી આશા સૂત્રોએ વ્યક્ત કરી છે.
સૂત્રોએ જણાવ્યું કે દમણમાં વડાપ્રધાન મોદીના રોડ શો અને અન્ય કાર્યક્રમો પહેલા મોદી 17મીએ સોમનાથ આવશે. તેઓ સવારે 11 વાગ્યે સૌરાષ્ટ્ર-તમિલ સંગમનું ઉદ્ઘાટન કરશે અને સૌરાષ્ટ્રના વતનીઓને સંબોધન પણ કરશે. જે બાદ મોદી દમણ જવા રવાના થશે.
ગુજરાત સરકારના આમંત્રણને માન આપી તામિલનાડુમાં રહેતા 4 હજારથી વધુ મૂળ સૌરાષ્ટ્રવાસીઓ સોમનાથ આવી રહ્યા છે. જેમના માટે તમિલનાડુથી વિશેષ ટ્રેનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. 17 થી 30 એપ્રિલ દરમિયાન ગુજરાતમાં વિવિધ સ્થળોએ સૌરાષ્ટ્ર-તમિલ સંગમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. તમિલનાડુથી 10 ટ્રેન મારફતે સૌરાષ્ટ્રના વતનીઓ ગુજરાત આવશે. સોમનાથ ખાતે મુખ્ય કાર્યક્રમ ઉપરાંત પોરબંદર, દ્વારકા, રાજકોટ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી-એકતાનગર ખાતે પણ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ બંને રાજ્યો વચ્ચે ભાષા, સંસ્કૃતિ, વારસો, સાહિત્ય, કલા, વેપાર અને શિક્ષણના આદાન-પ્રદાનને સરળ બનાવશે. જેના માટે ગુજરાતમાં વિવિધ સ્થળોએ ચિત્ર, સંગીત, નાટક, પ્રદર્શન, લોક ગાયન, હસ્તકલા, ભાષા, ભોજન, શોપિંગ ફેસ્ટિવલ, બિઝનેસ મીટ અને સ્પોર્ટ્સ વગેરેનું પણ આયોજન કરવામાં આવ્યું છે.