ગાંધીનગરગુજરાતરાષ્ટ્રીય

ગુજરાતના રાજકારણમાં સ્વચ્છ પ્રતિભા ધરાવતા યુવા નેતા પરેશ ધાનાણી યુવાનો માટે રોલ મોડલ.

ગાંધીનગર :

ગુજરાતમાં સાવ પતી ગયેલી મનાતી કોંગ્રેસ 2017 ની વિધાનસભા ચૂંટણીમાં અચાનક બેઠી થઈ ગઈ અને ભાજપને હંફાવીને 77 બેઠકો સુધી પહોચી ગઈ. ગુજરાત કોંગ્રેસે એવી જોરદાર લડત આપી કે, ગુજરાતમાં ભાજપ માંડ માંડ સત્તા જાળવી શક્યો. ગુજરાત કોંગ્રેસની આ લડાયકતા અને પુનર્જન્મ જેમને આભારી છે તેવા નેતાઓમાં એક યુવા નેતા પરેશ ધાનાણી છે.

અમરેલીના પાણીદાર કદાવર પાટીદાર નેતા પરેશ ધાનાણીએ ભાજપનો ગઢ ગણાતા સૌરાષ્ટ્રમાં જ ભાજપને ધરાશાયી કરી નાંખ્યો અને કોંગ્રેસને ફરી બેઠી કરવામાં મોટું યોગદાન આપ્યું. વર્ષ 2017ની ચૂંટણીમાં અમરેલી વિધાનસભા બેઠક પરથી ચૂંટાયેલા પરેશ ધાનાણીના આ યોગદાનની કદર કરીને કોંગ્રેસે તેમને ગુજરાત વિધાનસભામાં વિરોધ પક્ષના નેતાનો મોભાદાર હોદ્દો આપ્યો.

પરેશ ધાનાણી ગુજરાતના યુવાનો માટે એક રોલ મોડલ છે. સૌરાષ્ટ્રના સામાન્ય પરિવારમાં જન્મેલા પરેશ ધાનાણી સ્વબળે અને કદી હાર નહીં માનવાની લડાયક માનસિકતાના કારણે આ કક્ષાએ પહોંચ્યા છે. ભારતનો સ્વાતંત્ર્ય દિન એટલે કે 15 ઓગસ્ટ ધાનાણીનો જન્મદિન છે. પરેશ  ધાનાણીના પિતા  ધીરજલાલ રવજીભાઈ ધાનાણી અમરેલી જિલ્લા સહકારી બેન્કમાં નોકરી કરતા હતા. પરિવાર સધ્ધર નહોતો પણ ધીરૂ ભગતના નામે જાણીતા પિતાના સંસ્કાર અને સાલસ સ્વભાવની મૂડી પાસે હતી. તેના કારણે કિશોર વયથી જ સૌને મદદ કરવાની ભાવના વિકસી. ધાનાણી કોલેજમાં હતા ત્યારે કોંગ્રેસના દેશભક્તિના ઈતિહાસ અને તેની વિચારધારાથી આકર્ષાયા હતા. આ કારણે તે એન.એસ.યુ.આઇ અને યુથ કોંગ્રેસમાં સક્રિય હતા. વર્ષ 2000માં તે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ થયા ત્યાં સુધીમાં કોંગ્રેસના રંગે એ રીતે રંગાઈ ગયા હતા કે તેમણે સમાજસેવાને અપનાવીને રાજકારણમાં ઝંપલાવવાનું નક્કી કરી નાંખ્યું હતું. રાજકારણમાં કંઈક કરી બતાવવાની ભાવના સાથે આવેલા ધાનાણીને 2002માં જ એ તક મળી ગઈ. 2002ની ગુજરાત વિધાનસભા અમરેલી બેઠક પરથી ભાજપના ધુરંધર નેતા પરષોત્તમ રૂપાલા ઉભા હતા. 1991, 1995 અને 1998 એમ સળંગ ત્રણ ચૂંટણીમાં જીતેલા રૂપાલા સામે અમરેલીમાંથી ઉભા રહેવા કોંગ્રેસમાંથી કોઈ તૈયાર નહોતું. પરેશ ધાનાણીએ એ વખતે હિંમત બતાવી અને સામેથી ટિકિટ માંગી.

એ વખતે ધાનાણીની વય માત્ર 26 વર્ષની હતી. રાજકીય પંડિતો એવું જ માનતા હતા કે, ધાનાણી રાજકીય આપઘાત કરી રહ્યા છે ને તેમની કારકિર્દી શરૂ થતાં પહેલાં જ ખતમ થઈ જશે. જો કે ધાનાણીએ સૌને ખોટા પાડ્યા અને રૂપાલાને 16 હજાર કરતાં વધારે મતે હરાવીને જાયન્ટ કિલર સાબિત થયા. ધાનાણીએ એ રીતે પહેલા જ ધડાકે છાકો પાડી દીધો હતો. ધાનાણીની આ સફળતાના કારણે તેમને યુવા કોંગ્રેસ, પ્રદેશ કોંગ્રેસ અને રાષ્ટ્રીય કોંગ્રેસ માં સ્થાન મળ્યું.

2007ની વિધાનસભા ચૂંટણીમાં ધાનાણી ભાજપના બીજા ધુરંધર નેતા દિલીપ સંઘાણી સામે માત્ર 4000 મતે હાર્યા પણ 2012માં તેમણે વળતો ઘા કરીને સંઘાણીને 30 હજાર મતોની જંગી સરસાઈથી હરાવેલા. 2017માં ભાજપના બીજા ધુરંધર બાવકુભાઈ ઉંઘાડ તેમની સામે ઉભા રહેલા અને તેમને પણ ધાનાણીએ કારમી હાર આપી એક સફળ નેતા સાબિત થયા છે.

ધાનાણીએ ભાજપના ઘુરંધરોને હરાવીને પોતાની રાજકીય તાકાત સાબિત કરી છે. ધાનાણીની લોકપ્રિયતા ઘણાંને આશ્ચર્યમાં નાંખે છે પણ તેનું કારણ તેમનો લોકો સાથેનો જીવંત સંપર્ક છે. સતત ખેડૂતો, બેરોજગારો, ગરીબો વગેરેના પ્રશ્નો માટે લડતા રહેતા ધાનાણીના દરવાજા લોકો માટે ચોવીસે કલાક ખુલ્લા હોય છે. સૌરાષ્ટ્રમાં અમરેલી ભાજપનો ગઢ હતો અને એ ગઢ કદી ખરે એવું નહોતું લાગતું પણ ધાનાણીએ ધીરજથી મચ્યા રહીને એ ગઢને ધરાશાયી કર્યો છે. ગુજરાતના રાજકારણમાં સ્વચ્છ પ્રતિભા ધરાવતા નેતા તરીકે તેમણે પોતાની આગવી ઓળખ બનાવી છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x