કેનેડામાં BAPS સ્વામિનારાયણ મંદિરની દિવાલ પર મોદી વિરોધી સૂત્રો લખવામાં આવ્યા
(એજન્સી) કેનેડાના ટોરોન્ટોમાં હિન્દુ મંદિરોને સતત નિશાન બનાવવામાં આવી રહ્યા છે. ઓન્ટારિયો (કેનેડા)માં BAPS સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડ કરવામાં આવી હતી અને દિવાલો પર ભારત વિરોધી અને મોદી વિરોધી સૂત્રો લખવામાં આવ્યા હતા.
મંદિરના પ્રતિનિધિઓએ પોલીસને જાણ કરી અને આરોપીઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી. મંદિરની દિવાલો પર ભારત અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ વાંધાજનક નારા અને ખાલિસ્તાનના સમર્થનમાં સૂત્રો લખવામાં આવ્યા છે. BAPS સંસ્થાએ વિન્ડસરમાં શ્રી સ્વામિનારાયણ મંદિરને નિશાન બનાવવા અંગે દુઃખ વ્યક્ત કર્યું છે. સંસ્થાના પ્રવક્તાએ કહ્યું કે અમારા મંદિરની દિવાલો પર ભારત વિરોધી સૂત્રોચ્ચાર જોઈને આશ્ચર્ય થાય છે. ઘટનાની જાણ સ્થાનિક પોલીસને તાત્કાલિક કાર્યવાહી માટે કરવામાં આવી છે.
ફરિયાદના આધારે પોલીસે આરોપીઓના સીસીટીવી ફૂટેજ જાહેર કર્યા છે. ફૂટેજમાં દેખાય છે કે બે માસ્ક પહેરેલા માણસો રાત્રે આવે છે અને પછી દિવાલ પર ભારત વિરોધી સૂત્રો લખે છે. જુલાઈ 2022 પછી આ પાંચમી ઘટના છે જેમાં મંદિરોને નિશાન બનાવવામાં આવ્યા છે અને દિવાલો પર વાંધાજનક સૂત્રો લખવામાં આવ્યા છે.