ગાંધીનગર મહાનગરપાલિકા સોલાર રૂફટોપથી મહિને 3 લાખ રૂપિયાની બચત કરશે, પર્યાવરણને પણ ફાયદો થશે
તા. 10 એપ્રિલ, 2023
ગાંધીનગર,
દેશના યશસ્વી પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની દિર્ઘ દ્રષ્ટિ તેમજ રીન્યુએબલ એનર્જી થકી દેશને આત્મનિર્ભર બનાવવાના સ્વપ્નને સાકાર કરવાના રસ્તે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા ગ્રીન એનર્જી પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. ગાંધીનગર મહાનગરપાલિકાની મુખ્ય કચેરી તેમજ ફાયર સ્ટેશનની છત પર સોલાર સિસ્ટમ લગાવીને ગ્રીન એનર્જી ઉત્પન કરવા માટેની શરૂઆત કરવામાં આવી છે. સ્માર્ટ સિટી મિશન હેઠળ ગાંધીનગર મહાનગરપાલિકાના વિવિધ સ્થળો પર સોલાર રૂફટોપ અને સોલાર ટ્રી ઇન્સ્ટોલેશનની કામગીરી કરવામાં આવી છે. જેનું ઉદ્ધાટન ગાંઘીનગરના મેયરશ્રી હિતેશભાઈ મકવાણાના હસ્તે કરવામાં આવ્યું.
આ અવસરે શહેર ભાજપ અધ્યક્ષશ્રી રુચિરભાઈ ભટ્ટ, ગાંધીનગર ઉત્તરના ધારાસભ્યશ્રી રીટાબેન પટેલ, દક્ષિણના ધારાસભ્યશ્રી અલ્પેશભાઈ ઠાકોર, ડે. મેયરશ્રી પ્રેમલસિંહ ગોલ, સ્ટે. કમિટીના ચેરમેનશ્રી જશવંતભાઈ પટેલ, મ્યુનિસિપલ કમિશનરશ્રી જીતેન્દ્રસિંહ વાઘેલા, ડે. મ્યુ. કમિશનરશ્રી કેયૂર જેઠવા, મહાનગરપાલિકાના કાઉન્સિલરશ્રીઓ તેમજ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રોજેક્ટ હેઠળ 32 સ્થળો પર કુલ 945 કિલોવોટના સોલાર પ્લાન્ટ લગાવવામાં આવ્યા છે. જેમાં મહાનગરપાલિકાની મુખ્ય કચેરી પંડિત દીનદયાલ ઉપાધ્યાય ભવન ખાતે કુલ 365 કિલોવોટની રૂફટોપ સિસ્ટમ લગાવવામાં આવી છે. જેની મદદથી મહાનગરપાલિકાને વર્ષે અંદાજે 35.88 લાખ રૂપિયાની બચત થશે. આ ઉપરાંત પર્યાવરણને પણ લાભ થશે. આ સિસ્ટમથી 25 વર્ષમાં અંદાજે 9300 ટન કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન ઘટશે. એટલે કે આ સિસ્ટમથી પર્યાવરણમાં અંદાજે 14,700 સાગના વૃક્ષ વાવવાની સમકક્ષ લાભ કરશે.