પાઠ્યપુસ્તક મંડળમાં કાગળની ખરીદીમાં કરોડોનું કૌભાંડ આચરાયા આશંકા
ગાંધીનગર :
ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ સામે ૩૨ હજાર મેટ્રીક ટન કાગળ ખરીદીના ટેન્ડરમાં કૌભાંડ થયાના આક્ષેપો થયાં છે. જે અન્વયે પાઠ્યપુસ્તક મંડળ દ્વારા એવુ કહેવામાં આવી રહ્યુ છે કે, કાગળ ખરીદવા માટે સમિતિની રચના કરવામાં આવી હતી અને વિવિધ બાબતોમાં ચર્ચા કર્યાં બાદ ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી છે. પાઠ્યપુસ્તક મંડળ દ્વારા આ લૂલો બચાવ કરાઈ રહ્યો હોવાનુ આ ક્ષેત્રના નિષ્ણાંતો કહી રહ્યાં છે અને તે અંગે કારણ આપતા નિષ્ણાંતો કહે છે કે, વર્ષ- ૨૦૧૭થી વર્ષ-૨૦૨૨ સુધી જે શરતોથી ટેન્ડર નિકળતુ હતુ, તેમા સ્પર્ધા વધતી હતી અને કાગળનો ભાવ નીચો આવતો હતો, છતાં એવી તો શુ પરિસ્થિતિ સર્જાઈ કે, ૬ વર્ષથી ચાલતી શરતોને બદલવી પડી ? તે અંગે પાઠ્યપુસ્તક મંડળ દ્વારા ગર્ભિત મૌન સેવવામાં આવી રહ્યું છે. આમ ટેન્ડરની જે શરતો બદલવામાં આવી છે તે અંગે પાઠ્યપુસ્તક પાસે કોઈ નક્કી કારણ જ ન હોવાના આક્ષેપો થયાં છે. પાઠ્યપુસ્તક મંડળ દ્વારા જે બચાવ કરાઈ રહ્યો છે તે અંગે વિગતો મેળવવા માટે ના. નિયામક (ઉત્પાદન) મનીશ બધેકાનો વારંવાર ટેલિફોનિક અને એસએમએસ દ્વારા સંપર્ક કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો પરંતુ તેમણે ફોન ઉપાડવાની કે SMSનો જવાબ આપવાની તસ્દી લીધી નહોતી. રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર જે પાઠ્યપુસ્તક મંડળના ચેરમેન છે અને ડાયરેક્ટર રતનકંવર ગઢવી ચારણની મીલિભગતથી કાગળ ખરીદી માટેની ટેન્ડરની શરતો બદલવામાં આવી હોવાના આક્ષેપો થયાં છે. વર્ષ-૨૦૧૭થી કાગળ ખરીદીમાં ફાયબર સિક્યુરીટી અથવા વોટરમાર્ક આ બંને વિકલ્પ આપવામાં આવતાં હતા, જેના કારણે સ્પર્ધા વધતી હતી અને ભાવ નિચો આવતો હતો. પરંતુ આ વખતે રાતોરાત ફાયબર સિક્યુરિટીનો વિકલ્પ જ ઉડાવી દીધો જેના કારણે મનફાવે તેવા ભાવે નક્કી કરેલ કંપનીને જ ટેન્ડર મળે તેવા આક્ષેપો થયાં છે, જેની ફરિયાદો સરકારમાં પહોચી છે. હવે આ ટેન્ડરની શરતોમાં કરવામાં આવેલા ફેરફાર અંગે રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ દ્વારા એવો લૂલો બચાવ કરવામાં આવી રહ્યો છે કે, ૩૨ હજાર મેટ્રીક ટન પેપર ખરીદવા માટે સમિતીની રચના કરવામાં આવી હતી. આ સમિત ડ્રાફ્ટ ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી સમયાંતરે બેઠકો યોજી ટેન્ડર વિષયક વિવિધ બાબતો જેવી કે કાગળના સ્પેસીફીકેશન, ટર્નઓવર, પાસ્ટ પરર્ફોમન્સ, પાસ્ટ પ્રોજેક્ટ એક્સપીરીયન્સ વગેરે બાબતો પરત્વે ચર્ચા વિચારણ કરીને ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી છે. પરંતુ કરોડોના કૌભાડના આક્ષેપો જેની સામે થયાં છે તે પાઠ્યપુસ્તક મંડળ દ્વારા ટેન્ડરની શરતો કેમ બદલવામાં આવી તે અંગે કોઈ જવાબ આપી શકતુ નથી. પરંતુ આખાયે બચાવમાં એવુ ક્યાંક કહેવામાં આવતુ નથી કે, શરતો શા માટે બદલવી પડે ? કોના કહેવાથી બદવી પડી ? અને આ પ્રશ્નોના જવાબ તમારી પાસે નથી તો એ સ્પષ્ટ થાય છે કે આ ટેન્ડરમાં મોટી ગોઠવણો થઈ છે તેવુ આ ક્ષેત્રના નિષ્ણાંતો માને છે.