કમોસમી વરસાદ અને વાવાઝોડાથી ચાલુ વર્ષે કેરીના ભાવમાં 50%વધ્યો
ગાંધીનગરઃ
ઉનાળાના આગમનની સાથે સાથે ફળોના રાજાની ખટ્ટ-મીઠ્ઠી યાદ અબાલવૃદ્ધ સૌ કોઇના મનમાં આવતી હોય છે. જોકે ફેબ્રુઆરી અને માર્ચ માસમાં આંબા ઉપર મોર આવે ત્યારબાદ કેરી આવતી હોય છે. પરંતુ ચાલુ વર્ષે ફેબ્રુઆરી અને માર્ચ માસમાં કમૌસમી વરસાદ અને વાવાઝોડું ફુંકાયું હતું. આથી આંબાનો મોર અને કેરીના મોગરા ખરી પડવાથી ફળોના રાજાને આરોગવા માટે લોકોના ખિસ્સા ઉપર વધુ આર્થિક માર પડશે. તેમ હાલમાં ફળોના રાજા કેરીના આગમનનો સમય હોવા છતાં કેરીના ભાવમાં જોવા મળેલા ભાવ વધારા પરથી લાગી રહ્યું છે. વાવાઝોડાના કારણે ચાલુ વર્ષે કેરીની આવકમાં 30%ની ઘટ રહેવાથી તેના ભાવ પણ વધ્યા છે.
ગત વર્ષે કેસર કેરીનો હોલસેલ ભાવ રૂપિયા 300થી 400ની આસપાસ રહેતો હતો. આથી વેપારીઓ તેને બજારમાં રૂપિયા 500થી 600ના ભાવમાં પેટીનું વેચાણ કરતા હતા. જ્યારે ચાલુ વર્ષે કેસર કેરીનો હોલસેલ ભાવ જ રૂપિયા 600થી 800ની આસપાસ છે. આથી બજારમાં વેપારીઓ કેસર કેરીની પેટીનો ભાવ રૂપિયા 1000થી 1200નો રહ્યો છે.