અમદાવાદ ખાતે “ક્રીડાભારતી”ની દ્વિદિવસીય રાષ્ટ્રીય બેઠક
ક્રીડાભારતી એ રમત અને ખેલાડીઓ માટે કામ કરતું અખિલ ભારતીય સંગઠન છે, તેની સ્થાપના 1992માં થઈ હતી અને આજે તેનું કાર્ય ભારતભરમાં 29 રાજ્યો અને 504 જિલ્લામાં પહોંચી ગયું છે. સૂચારુ રૂપે ગામડે ગામડે ક્રીડાભારતી સક્રિય રૂપે કાર્ય કરતી થાય તેવા ઉદેશ્ય સાથે ગુજરાત ખાતે 28 અને 29 એપ્રિલ 2023 દરમ્યાન રાષ્ટ્રીય બેઠક થવા જઇ રહી છે.
ક્રીડાભારતી, ગુજરાત પ્રાંતના અધ્યક્ષ શ્રી વિવેકભાઈ પટેલે જણાવ્યું છે કે સરદાર વલ્લભભાઈ પટેલ સહકાર ભવન, ગુજરાત સ્ટેટ કો-ઓપરેટીવ બેંક ખાતે અખિલ ભારતીય બેઠક થવા જઈ રહી છે ત્યારે તેની પૂર્વ સંધ્યાએ 27 એપ્રિલના રોજ ભારતભરમાંથી પધારેલા કાર્યકર્તાઓ સાથે ગુજરાતના આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય મેડાલિસ્ટ ઉપરાંત એવોર્ડી ખેલાડીઓની ક્રીડાગોષ્ઠી થનાર છે. ક્રીડાભારતીના અખિલ ભારતીય અધ્યક્ષ માનનીય શ્રી ગોપાલજી સૈની અને મહામંત્રી માનનીય શ્રી રાજ ચૌધરી તેઓનું માર્ગદર્શન કરશે.