MLA રીટાબેન પટેલ દ્વારા ગાંધીનગર પ્રિમિયર લીગ ક્રિકેટ અને વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન, આજે CMના હસ્તે પ્રારંભ
ગાંધીનગર :
ગાંધીનગર ઉત્તર વિધાનસભાના મહિલા ધારાસભ્ય દ્વારા આયોજિત ૩૬ ગાંધીનગર નોર્થ પ્રીમિયર લીગ નાઈટ ક્રિકેટ અને વોલીબોલ ટુર્નામેન્ટનુ આયોજન કરાયુ છે. જેનો શુભારંભ આજે મંગળવાર સાંજે 7:30 ક્લાકે રામકથા મેદાન, સેક્ટર 11 ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહ અને રમતગમત રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની ઉપસ્થિતિમાં સ્ટેજ પરફોર્મન્સ અને આતશબાજી સહિતના કાર્યક્રમોથી કરવામાં આવશે. આ બાબતે ધારાસભ્ય રીટાબેન પટેલે જણાવ્યું છે કે, આ ટુર્નામેન્ટમાં યુવાનો તો ઉત્સાહભેર ભાગ લઈ જ રહ્યા છે પરંતુ આ ઉપરાંત તબીબો, વકીલો, ચાર્ટડ એકાઉન્ટન્ટસ, વિવિધ ક્ષેત્રના વેપારીઓ, વિવિધ સમાજની ટીમો, આર્મી અને પોલીસના જવાનો, સરકારી કર્મચારીઓ, મેડીક્લ ક્ષેત્રની મહિલાઓ, ગૃહિણીઓ પણ 36 ગાંધીનગર નોર્થ પ્રીમિયર લીગમાં પોતાનું નસીબ અજમાવશે. એક જ વિધાનસભા ક્ષેત્રમાંથી જ 188 ટીમ સાથે ક્રિકેટ અને વોલીબોલ ટુર્નામેન્ટના આયોજન બાબતે 36 GNPL દ્વારા રેકોર્ડ સ્થાપિત થવા જઈ રહ્યો છે. મહિલાઓની ટીમને નિશુલ્ક પ્રવેશ આપવામાં આવ્યો છે. પ્રથમ સિઝનમાં ક્રિકેટની પુરુષોની 136, મહિલાઓની 18 ટીમ સહિત કુલ 154 ટીમ તેમજ વોલીબોલની પુરુષોની 24 અને મહિલાઓની 10 ટીમ સહિત કુલ 34 ટીમ ખેલદિલી સાથે ટકરાશે.