PDPU રોડ ઉપર બિલ્ડરોએ મોટા દબાણો કર્યા છતાં કોર્પોરેશન દ્વારા કાર્યવાહી નહિ
ગાંધીનગર :
ગાંધીનગર શહેરમાં અલગ અલગ સેક્ટરોમાં હાલ કોર્પોરેશન દ્વારા દબાણ ઝુંબેશ ચાલી રહી છે ત્યારે કોર્પોરેશનની એસ્ટેટ શાખા દ્વારા ફકત લારી ગલ્લાના દબાણો જ હટાવવામાં આવી રહ્યા છે. ત્યારે આ મામલે કોર્પોરેશનના વિપક્ષના નેતા અંકિત બારોટે મ્યુનિસિપલ છે કે, કોર્પોરેશન દબાણ મામલે બેધારી નીતિ અપનાવી રહ્યું છે. ગાંધીનગરમા આવેલા વી.આઈ.પી વિસ્તારમાં મકાન જેટલા બગીચાનું દબાણ માલેતુજાર લોકો ધ્વા૨ા કરવામાં આવેલ છે તે ક્યારે હટાવવા જશો ? તે ઉપરાંત ગાંધીનગરના મોટા ભાગના બિલ્ડરો ધ્વારા સાઈટ ઓફીસના નામે દબાણ કરેલ છે તે ક્યારે હટાવશો ? વધુમાં પી.ડી.પી.યુ. રોડ, શાહપુર અને આજુ-બાજુના વિસ્તારમાં સ્ટોમ વોટર લાઈન બિલ્ડરો ધ્વારા પુરી દેવામાં આવી છે ત્યા મોટુ દબાણ કરેલ છે તે બાબતની તપાસ અને દબાણ દુર કરવાનું કામ મહાનગરપાલિકા ક્યારે કરશે તે જાણવા માટે ગાંધીનગરનો સામાન્ય નાગરીક ઈચ્છુક છે. માત્રને માત્ર નાના ગરીબ લોકોના દબાણ એટલે જ હટાવવામાં આવે છે કે તેઓ રાજકીય વગ ધરાવતા નથી અને અવાજ ઉઠાવી શકતા નથી. ગાંધીનગર પાલિકાની આ બેધારી નીતીઓને કારણે લોકો હેરાન થઈ રહ્યા છે ત્યારે આ મામલે યોગ્ય કાર્યવાહી કરીને મોટા દબાણ કરનારાઓ સામે પણ પગલા ભરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી