રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, ભાવનગર અને વલસાડમાં રેડએલર્ટ
ગાંધીનગર :
ગુજરાત રાજ્યમાં હવામાન વિભાગની આગાહીને પગલે રાજ્યમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 130 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં સૌથી વધુ 10 ઇંચથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે. જ્યારે 39 તાલુકાઓમાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. તો સવારના 6 વાગ્યાથી 8 વાગ્યા સુધી રાજ્યના 46 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં નવસારીના ખેરગામ તાલુકામાં સૌથી વધુ સવા ચાર ઇંચ વરસાદ ખાબક્યો છે. હવામાન વિભાગ દ્વારા આજે ભાવનગર અને વલસાડમાં રેડએલર્ટ આપવામાં આવ્યું છે.
ભાવનગરની જીવાદોરી સમાન અને સૌરાષ્ટ્રનો સૌથી મોટો શેત્રુંજી ડેમ શુક્રવારે રાત્રે ઓવરફ્લો થયો છે. શેત્રુંજી ડેમના 20 દરવાજાઓ એક ફૂટ સુધી ખોલી દેવામાં આવ્યા છે. જ્યારે હજી પણ 1800 ક્યુસેક પાણીની સતત આવક ચાલુ છે. જેને લઇને નીચાણવાળા 17 ગામોને એલર્ટ અપાયું છે.
આ તરફ જામનગરમાં વહેલી સવારથી મેઘરાજા બધડાટી બોલાવી રહ્યા છે. જેના કારણે શહેરના મુખ્ય માર્ગો પર પાણી વળ્યા છે. તો શહેરના અનેક નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. જ્યારે હવામાન વિભાગની ભારે વરસાદની આગાહીને લઇને જિલ્લાના અનેક વિસ્તારોને એલર્ટ કરી દેવાયા છે.