ગાંધીનગરગુજરાત

મહોરમની રજા શાળાઓમાં રદ: સરકારનો તઘલખી નિર્ણય

ગાંધીનગર :

ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે ગઈ કાલે પરિપત્ર બહાર પાડીને મહોરમની આજની રજા અચાનક રદ કરી. કારણ એ છે કે શાળાઓના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ વેબકાસ્ટ થનારા એક કાર્યક્રમને નિહાળવાનો છે.

આ કાર્યક્રમ દિલ્હીમાં છે અને તે છે નવી શિક્ષણ નીતિને ત્રણ વરસ થયાં તેની ઉજવણીનો. તેમાં નરેન્દ્ર મોદી ભાષણ આપવાના છે એટલે એમાં સૌ શિક્ષકોએ અને વિદ્યાર્થીઓએ શ્રોતા બનવું જ પડે એમ ગુજરાત સરકાર માને છે.

શિક્ષણ નીતિમાં પણ ઉજવણી હોય, એટલે કે ઉત્સવ હોય એવું તો ખરેખર નરેન્દ્ર મોદીને સૂઝે! શિક્ષણ નીતિનું મૂલ્યાંકન હોય, ઉજવણી નહિ.

મહોરમ તો મુસ્લિમોનો તહેવાર છે એટલે રજા રદ કરી. શું જન્માષ્ટમીની રજા હોત તો ગુજરાત સરકાર આવો નિર્ણય લેવાની હિંમત કરત ખરી?

બીજું, કેટલા શિક્ષકોને આ નવી શિક્ષણ નીતિમાં શું થવાનું છે કે થઈ રહ્યું છે તેની સમજણ પડે છે? શું તેમણે શાળા શિક્ષણ સાથે સંબંધિત જે મુદ્દા 2020ની નવી શિક્ષણ નીતિમાં છે તે વાંચ્યા છે ખરા?

વળી, શાળાઓના વિદ્યાર્થીઓને નવી શિક્ષણ નીતિમાં શી સમજણ પડે? એમને તો નરેન્દ્ર મોદીનો રૂપાળો ચહેરો જ બતાવવાનો ઉદ્દેશ છે ને! આને કહેવાય સંપૂર્ણ સરકારી ખર્ચે ભાજપનો અને નરેન્દ્ર મોદીનો પ્રચાર. આ છે મોદીની આવડત.

અને હા, શાળાઓમાં રદ કરી રજા તો કોલેજો એને યુનિવર્સિટીઓમાં કેમ નહિ? શું એમને નવી શિક્ષણ નીતિ સાથે કશી લેવાદેવા નથી? પણ સરકારે એમને કૃપાગુણ (grace mark) આપીને જવા દીધાં!

વળી, શનિરવિ એમ બે રજા સાથે આવે છે એટલે જેમણે પોતાનો સમય પસાર કરવા માટે અગાઉથી જે આયોજન કર્યું હોય તે ખોરવાઈ જાય.

મોટે ભાગે મુસ્લિમ બાળકો તો તહેવારને કારણે શાળાઓમાં નહિ જ આવે. એ ન આવે એટલે હિન્દુ બાળકોને અને શિક્ષકોને એમ પણ થાય કે જોયું સરકારની નીતિઓમાં મુસ્લિમોને રસ છે જ નહિ. આ છે હિંદુઓ અને મુસ્લિમો વચ્ચે વૈમનસ્ય ઊભું કરવાનો રસ્તો.

આ માત્ર મુસ્લિમોનો પ્રશ્ન છે એમ રખે ને હિંદુઓ માને. જે એમને માટે સરકાર દ્વારા થઈ રહ્યું છે તે કાલે હિંદુઓ માટે પણ થઈ શકે છે, સમજો. નરેન્દ્ર મોદીને કે ભાજપને સત્તા માટે હોય તેટલો જ હિન્દુ-મુસ્લિમ કરવામાં રસ છે.

ભાજપની ગુજરાત સરકાર શાળાઓ, કોલેજો અને યુનિવર્સિટીઓને એની જાગીર સમજે છે એનો આ એક વધુ પુરાવો છે.

શિક્ષક સંઘો શું સૂઈ ગયા છે?

– હેમંતકુમાર શાહ, તા.૨૯-૦૭-૨૦૨૩.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x