ગાંધીનગર

સંત સરોવરના બે દરવાજા ખોલાયા, ઉપરવાસમાં ભારે વરસાદથી સાબરમતીમાં પાણીની આવક વધી

આબુમાં પડેલા ભારે વરસાદને પગલે ધરોઇ ડેમમાં પાણીની આવકને પગલે એક દરવાજો ખોલીને 4618 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ધરોઇમાંથી છોડવામાં આવેલું પાણી મધ્યરાત્રી બે કલાકે સંત સરોવરમાં આવશે. આથી સંત સરોવર વિયરની પાણીની ક્ષમતા જળવાઇ રહે તે માટે હાલમાં બે દરવાજા ખોલીને પ્રતિ કલાક 2500 ક્યુસેક પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. સોમવાર સવારે સંત સરોવરના વધુ દરવાજા ખોલાય તેવી શક્યતા રહેલી છે. રાજસ્થાનના આબુ તેમજ આસપાસના વિસ્તારમાં ભારે વરસાદ પડી રહ્યો છે. જેને પરિણામે હાલમાં ધરોઇમાં પ્રતિ કલાક 4618 ક્યુસેક પાણીની આવક થઇ રહી છે. ઉપરાંત ધરોઇ ડેમ હાલમાં 189.59 ફુટ મીટર (622 ફુટ) ભરાયો છે. ધરોઇ ડેમનું રૂલ લેવલ જાળવી રાખવા માટે હાલમાં ડેમનો એક દરવાજો ખોલીને 4618 ક્યુસેક પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. ધરોઇ ડેમમાંથી સાબરમતી નદીમાં છોડાયેલું પાણી મધ્યરાત્રી 2 કલાક પછી સરીતા ઉદ્યાનની પાછળ બાંધેલા સંત સરોવર વિયરમાં આવી પહોંચશે. જોકે સંત સરોવરની ડેમની ઓવરફ્લો 55.50 મીટર છે. આથી સંત સરોવર વીયરનું પાણીનું લેવલ જાળવવા માટે હાલમાં બે દરવાજા એક એક ફુટ ખોલીને પ્રતિ કલાક 2500 ક્યુસેક પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. જોકે આવતીકાલ સોમવાર સવારે પાણીની આવક કેટલી રહેશે તેના આધારે સંત સરોવર વીયરના વધુ દરવાજા ખોલવામાં આવશે.

જોકે હાલમાં સંત સરોવરમાં પ્રતિ કલાક 148 ક્યુસેક પાણીની આવક થઇ રહી છે. ઉપરાંત ઉપરવાસમાં વરસાદ પણ પડતો નહી હોવાથી પાણીની આવક ઓછી રહેવા પામી છે. ધરોઇ ડેમ અને સંત સરોવર ડેમ વચ્ચેનું અંતર 100 કિમી જેટલું છે. આથી ધરોઇ ડેમમાંથી છોડવામાં આવેલું પાણી સંત સરોવર સુધી આવતા બારેક કલાક જેટલો સમય લાગે છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x