કાલે ગાંધીનગરનો ૫૯મો સ્થાપના દિવસ, થર્મલ પાવર સ્ટેશન ખાતે ઉજવણી કરાશે
ગાંઘીનગર :
ગુજરાતના પાટનગર એવા ગાંધીનગરનો આવતીકાલે એટલે કે ૨જી ઓગસ્ટના રોજ ૫૯મો સ્થાપના દિવસ છે. ગાંધીનગર શહેર વસાહત મહામંડળ દ્વારા દર વર્ષની જેમ થર્મલ પાવર સ્ટેશન ખાતે સાદગીપૂર્ણ રીતે ઉજવણી કરવામાં આવશે. જેમાં સવારે ૯:૦૦ કલાકે દીપ પ્રાગટ્ય કર્યા બાદ વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવશે. બીજી તરફ ગાંધીનગર શહેર વસાહત મહાસંઘ સેકટર-૫ દ્વારા સિનિયર સિટીઝન હોલ ખાતે કાર્યક્રમ યોજશે. જેમાં કેક કાપી તથા વૃક્ષારોપણ કરી ઉજવણી કરવામાં આવશે. બુધવારે સવારે ૯-૩૦ કલાકે આયોજીત કાર્યક્રમમાં વૃક્ષારોપણ કરી અને ત્રિરંગા ફુગ્ગા આકાશમાં ઉડાડવામાં આવશે. આ સાથે ગાંધીનગર શહેરની રચનામાં ગાધીનગર જિલ્લાના ૧૪ ગામના ખેડૂતોની મહામૂલી જમીન સરકાર દ્વારા સંપાદન કરાઈ હતી. આવા અસરગ્રસ્ત ખેડૂત આગેવાનોને યાદ કરી શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવશે. જેમાં ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલ, મનપા ના મેયર શ્રી હિતેશભાઈ મકવાણા, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.
રાજ્યનાં પાટનગર તરીકે ગાંધીનગરની સ્થાપના થઈ છે. 1968માં સાબર નદીના કાંઠે મહાત્મા ગાંધીનાં નામે રચાયેલા આ પાટનગરમાં ઓગષ્ટ, 1968નાં રોજ પ્રથમ ઈંટ મૂકાઈ હતી અને 1971ના વર્ષથી જનજીવનનો ધબકાર શરૂ થયો હતો. ગાંધીનગર આજે પાટનગર જ નહીં, સ્માર્ટસીટી (Smart city Gandhinagar) અને મહાનગર પણ બની ગયું છે.