હરિયાણામાં હિંસા : વિશ્વ હિન્દુ પરિષદની યાત્રા પર પત્થરમારો થયો, 40 ગાડીઓ સળગાવી, ઈન્ટરનેટ બંધ, કલમ ૧૪૪ લાગુ
હરિયાણાના નૂહમાં વિશ્વ હિન્દુ પરિષદ અને માતૃશક્તિ દુર્ગા વાહિની દ્વારા બ્રજમંડળની યાત્રા કાઢવામાં આવી હતી. યાત્રા દરમિયાન સોમવારે હોબાળો થયો હતો. બંને જૂથો વચ્ચે અથડામણ બાદ ત્રણ ડઝનથી વધુ વાહનોને આગ ચાંપી દેવામાં આવી હતી. પોલીસ પર પણ પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જેમાં અનેક લોકો અને પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા. ગોળી વાગવાથી બે લોકોના મોતનાં સમાચાર પણ મળ્યા છે. જોકે તેની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. નૂહ જિલ્લા વહીવટીતંત્રે પરિસ્થિતિનો સામનો કરવા માટે અન્ય જિલ્લાઓમાંથી પોલીસ દળને બોલાવ્યા છે, સમગ્ર જિલ્લામાં કલમ ૧૪૪ લાગુ કરવાની સાથે સાથે 2 ઓગસ્ટે બે દિવસ માટે ઈન્ટરનેટ પણ બંધ કરવામાં આવ્યું હતું. જિલ્લાની સીમાઓ પણ સીલ કરી દેવામાં આવી છે. બ્રજમંડળ યાત્રા નૂહના નલ્હાદ શિવ મંદિરથી ફિરોઝપુર-જીરકા તરફ શરૂ થઈ હતી. યાત્રા તિરંગા પાર્ક નજીક પહોંચી ત્યાં પહેલાથી જ લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું. સામસામે આવતાં જ બંને પક્ષો વચ્ચે ઝઘડો થયો અને થોડી જ વારમાં પથ્થરમારો શરૂ થઈ ગયો. અત્યારે પણ નૂહના નલ્હાદ શિવ મંદિરની આસપાસ મોટી સંખ્યામાં બદમાશો એકઠા થયા છે. જ્યાં પથ્થરમારાની માહિતી મળતાં પોલીસ દળને ઘટનાસ્થળે રવાના કરવામાં આવ્યું છે.