ગુજરાતમાં વરસાદની આગાહી: સૌરાષ્ટ્ર, દ. ગુજરાત સહિત અમદાવાદને મેઘરાજા ધમરોળશે
ગાંધીનગર :
રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ છે તો કેટલાક વિસ્તારોમાં વરસાદે વિરામ લીધો છે. આ બધાની વચ્ચે હવામાન વિભાગે ફરી એકવાર વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સીઝનનો 92 ટકા જેટલો વરસાદ વરસી ચૂક્યો છે. ત્યારે હજુ પણ રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. જોકે આ બધાની વચ્ચે હવામાન વિભાગે રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદ પડવાની આગાહી કરી છે.
હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના દક્ષિણ ગુજરાતના અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં વરસાદ પડવાની શક્યતા છે. જેમાં દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં 24 કલાકમાં સાર્વત્રિક સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે છે. અત્રે જણાવીએ કે, દરિયા કિનારાના વિસ્તારમાં વધુ વરસાદની શક્યતા છે. તો આ તરફ અમદાવાદમાં પણ વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત સહિત વિવિધ જિલ્લાઓમાં વરસાદની આગાહી કરી છે ત્યારે આ વરસાદ આફત બનશે કે રાહત તે જોવું રહ્યું.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઈ મહત્વપૂર્ણ આગાહી કરી છે. તેમણે કહ્યું કે, બંગાળના ઉપસાગરનું ડીપ ડિપ્રેશન આગળ વધશે અને ઓરિસ્સા અને મધ્યપ્રદેશ થઈને વરસાદી સિસ્ટમ ગુજરાતમાં પ્રવેશ કરશે જેને લઈ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા છે તેમજ નર્મદા, સાબરમતી, તાપી સહિત અનેક નદીઓ બે કાંઠે થશે. આશ્લેષા નક્ષત્ર હોવાથી વરસાદ પાક માટે નુકસાનકારક છે. તારીખ 5 અને 6 ઓગસ્ટે રાજ્યના અનેક ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે. ઉત્તર ગુજરાત, પંચમહાલ અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે તેમજ સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠાના ભાગોમાં વરસાદની આગાહી કરી છે.