શિક્ષાપત્રી ફાઉન્ડેશન નિજાનંદ ફાર્મ, ગીફ્ટ સીટી, ગાંધીનગર ખાતે નવરાત્રી મહોત્સવનું આયોજન કરશે
ગાંધીનગર :
સેવા કામગીરીને વેગ આપવાના ઉમદા આશયથી શિક્ષાપત્રી ફાઉન્ડેશન ગાંધીનગર અને જોકર્સ આઈ ઇવેન્ટસ્ ના સંયુક્ત ઉપક્રમે નિજાનંદ ફાર્મ, ગીફ્ટ સીટી, ગાંધીનગર ખાતે નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે ‘અંડર ધ મૂન લાઇટ ગરબા 2023’ ના નામથી જગતજનની મા અંબાનાં શક્તિના પર્વ નવરાત્રી ઉજવણી કરવામાં આવશે.
નવરાત્રી મહોત્સવ ઉજવણીના આયોજનની વિગત આપતા શિક્ષાપત્રી ફાઉન્ડેશનના ટ્રસ્ટી શ્રી નિમેષભાઈ ચૌધરી અને શ્રી વિષ્ણુભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, ‘અંડર ધ મૂન લાઇટ ગરબા 2023’ ના નામથી શક્તિ પર્વ નવરાત્રીની ઉજવણી નિજાનંદ ફાર્મ ગીફ્ટ સીટી ખાતે કરવામાં આવશે. નિજાનંદ ફાર્મ ગીફ્ટ સીટી માં નવરાત્રી મહોત્સવનું આયોજન ૭.૫૦ લાખ સ્ક્વેર ફૂટ ગ્રાઉન્ડ એરિયામાં કરવામાં આવશે. ૩.૫૦ લાખ સ્ક્વેર ફૂટ પાર્કિંગ એરિયાની સુવિધા કરવામાં આવ્યું છે.
શિક્ષાપત્રી ફાઉન્ડેશન દ્વારા નવરાત્રી ગરબાના આયોજન માંથી જે આવક થશે, તેમાંથી નવરાત્રિનો ખર્ચ બાદ કર્યા બાદની રકમનો ઉપયોગ વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓમાં કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે શિક્ષાપત્રી ફાઉન્ડેશન દ્વારા કોરોનાકાળ દરમિયાન ૨૫૦૦ પરિવારને સવાર – સાંજના ભોજનની ટિફિન સર્વિસ ડોર ટુ ડોર આપવામાં આવતી હતી. તેમજ કોરોના કાળ દરમિયાન ઓક્સિજનની બોટલ અને મેડિકલ સેવા પણ આ ફાઉન્ડેશન દ્વારા આપવામાં આવી હતી. અત્યારે હાલ આ ફાઉન્ડેશન દ્વારા ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે નિયમિત ૫૦૦ માણસોને ખીચડીનું વિતરણ કરવામાં આવે છે.
નવરાત્રી મહોત્સવ દરમિયાન જગત જનનીની આરાધના કરવાના ભાવથી આઠમના દિવસે ખાસ ડ્રોન શો નું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ બાકીના તમામ દિવસો દરમિયાન ગુજરાતના નામાંકિત કલાકારો દ્વારા ગરબાની રમઝટ જમાવવામાં આવશે.
સેવાના ઉમદા ભાવ સાથે શરૂ થનાર નવરાત્રી મહોત્સવમાં ગાંધીનગર અમદાવાદ અને આસપાસના વિસ્તારના રહીશોને પધારવા માટે શિક્ષાપત્રી ફાઉન્ડેશનનાં શ્રી હિતેશ ચૌધરી અને જોકર્સ આઈ ઇવેન્ટસ્ ના રવિ ચતવાણી દ્વારા ભાવભીનું આમંત્રણ પણ પાઠવવામાં આવ્યું છે.