સરગાસણમાં શિવાંજલી ફ્લેટની ઓફિસમાં 5 બિલ્ડરો જુગાર રમતા ઝડપાયા
ગાંધીનગર પોલીસે છેલ્લા ૨૪ કલાક દરમિયાન અલગ અલગ બે સ્થળે જુગારના દરોડા પાડીને ૧૨ શખસોને ઝડપી લીધા હતા. ઝડપાયેલા શખસોના કબજામાંથી પોલીસે ત્રણ કાર સહિત રૂ।. ૨૮ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ શખ્સોમાં બિલ્ડર, પોલીસ કોન્સ્ટેબલ અને શિક્ષક હોવાનું જાણવા મળ્યુ છે. પોલીસે આ તમામ જુગારીઓ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે. પ્રથમ બનાવમાં પોલીસે સરગાસણ ખાતે આવેલ શિવાંજલી ફ્લેટની સાઇટમાં આવેલી ઓફિસમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે સેક્ટર-૭ પોલીસે દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન પોલીસે છ શખસોને ઝડપી લીધા હતા. જેમાં ૫ બિલ્ડરો અને એક પોલીસ કોન્સ્ટેબલ હતા. પોલીસને જોઇને આ શખસોના હોંસ ઉડી ગયા હતા.
પોલીસની પ્રાથમિક તપાસમાં આ શખસો રાકેશભાઇ શંકરભાઇ પટેલ, બિલ્ડર (રહે. ફ્લેટ- ૩૦૧, મારૂતિ આમકુંજ ફ્લેટ, સરગાસણ), રાકેશભાઈ ચંદુભાઈ સોની, બિલ્ડર (રહે.મારૂતિ આમ્રકુંજ ફ્લેટ સી- ૩૦૪, સરગાસણ) નિરંજનભાઈ પ્રવિણભાઈ પ્રબદાણી, બિલ્ડર (રહે. મારૂતિ આમકુંજ એફ-૪૦૨, સરગાસણ), હાર્દિકભાઇ હરીભાઇ પંડ્યા, બિલ્ડર (રહે. હરિ આલયમ, ઇ-૧૦૧, સરગાસણ) રામભાઈ રણછોડભાઈ દેસાઇ, બિલ્ડર (રહે. સેક્ટર-૫ સી, પ્લોટ-૭૮૯/૧) તથા નારણભાઇ વેલજીભાઈ ચૌધરી પટેલ, હેડ કોન્સ્ટેબલ, માધુપુરા પોલીસ સ્ટેશન (રહે. રાધે હેલિયોશ, ફ્લેટ નંબર -૧૦૪, કુડાસણ).
પોલીસે તમામ શખ્સોની ધરપકડ કરી પોલીસ સ્ટેશન લઈ જવાયા હતા અને ગુનો નોંધી વિધિવતની ધરપકડ કરવામાં આવી હતી. જો કે આ ગુનો જામીન પાત્ર હોવાથી તમામ ને જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા.