ગાંધીનગર પરથી અડવાણીને બદલે જાણો કયા 2 દિગ્ગજ નેતાઓ લોકસભા ચૂંટણી લડી શકે ?
ગાંધીનગર :
રાજ્યની રાજધાની અને હાઈપ્રોફાઈલ કહેવાતી ગાંધીનગર બેઠક પર વર્ષોથી ભાજપનો દબદબો છે. આ બેઠક પર દેશના પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયી પણ ચૂંટણી લડી ચુક્યા છે. તો આ બેઠકે દેશના નાયબ પ્રધાનમંત્રીને પણ ચૂંટ્યા છે. ગાંધીનગરથી હાલ ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી સાસંદ છે. પરંતુ આ વખતે અડવાણી ચૂંટણી લડે તેવી શક્યતાઓ નહીવત છે. જો અડવાણી ન લડે તો કોણ લડે ? આ બેઠક પર હાલ બે દિગ્ગજ નેતાઓના નામ ચાલી રહ્યા છે. કોણ છે આ નેતાઓ ?
આનંદીબેન પટેલ ગાંધીનગરથી ચૂંટણી લડી શકે છે
2014માં નરેન્દ્ર મોદી જ્યારે દિલ્હી ગયા ત્યારે તેમણે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે આનંદીબેનની પસંદગી કરી હતી. આનંદીબેન ગુજરાતના રાજકારણમાં ઘણો સમય સક્રિય રહ્યા હતા. તેમના નેતૃત્વમાં ગુજરાતની મહિલાઓની સુરક્ષા માટે અનેક કાયદાઓ અને અનેક યોજનાઓ સરકાર દ્વારા શરૂ પણ કરાઇ હતી. સ્વભાવે ખૂબ જ કડક ગણાતા આનંદીબેન વહીવટી કુશળતામાં પારંગત છે. ત્યારે હવે ભાજપ અને નરેન્દ્ર મોદી આનંદીબેનને ગાંધીનગરથી લોકસભા લડાવીને દિલ્હી દરબારમાં મોકલી શકે તેવી શક્યતાઓ દેખાઇ રહી છે. હાલ આનંદીબહેનનું જૂથ ગાંધીનગરમાં સક્રિય થઈ ગયું છે અને આનંદીબહેનને કોઈ પણ ભોગે લોકસભા લડાવવા મથામણ કરી રહ્યું છે.
આનંદીબહેનની સાથે વધુ એક નામ હાલ ચર્ચામાં
અત્યંત મહત્વની ગણાતી ગાંધીનગર લોકસભા બેઠક પર આનંદીબહેનની સાથે વધુ એક નામ હાલ ચર્ચામાં આવ્યું છે અને આ નામ છે ભાજપના અધ્યક્ષ અમિત શાહનું. અમિત શાહ આમ તો સાંસદ તો છે. પરંતુ તેઓ રાજ્યસભામાંથી ચૂંટાઈને ગયા છે. ગુજરાતના રાજકારણમાં અમિત શાહ જૂથ અને આનંદીબહેન પટેલના જૂથ વચ્ચે કૉલ્ડ વૉર હોવાની અટકળો ચાલતી હોય છે. અને સુત્રોનું માનીએ તો આનંદીબહેનનું નામ સામે આવતાની સાથે જ અમિત શાહ જૂથ એક્ટિવ થઈ ગયું છે. અને અમિત શાહને ગાંધીનગરથી લડાવવા માટે પ્રયાસો કરી રહ્યું છે. અમિત શાહ અથવા તો આનંદીબહેન. આ બન્નેમાંથી કોઈ પણ લડે તો આ બેઠકનું મહત્વ વધી જાય તેમ છે. કારણ કે બન્ને મોટા નેતાઓ છે. અને વરિષ્ઠ નેતાઓ કહેવાય છે.
ગાંધીનગર લોકસભા બેઠક એક ઐતિહાસિક અને મહત્વપૂર્ણ બેઠક કહેવામાં આવે છે. તો બેઠક પર પાટીદાર અને સવર્ણ સમાજ બહૂમતિમાં છે. ગાંધીનગર લોકસભા બેઠક પર ખાસ કરીને અમદાવાદ શહેરી વિસ્તારનો મોટો વિસ્તાર આવે છે. શહેરી વિસ્તાર મોટા ભાગે ભાજપની પડખે રહ્યો છે. તેથી આ બેઠક વર્ષોથી ભાજપ પોતાની પાસે રાખીને બેઠુ છે. હવે જોવું રહ્યું કે આ મહત્વપૂર્ણ બેઠક પરથી કયા દિગ્ગજ નેતા લોકસભામાં ઝંપલાવી મેદાન મારે છે.