સાળંગપુર ભીતચિત્રો પર કાળો કલર કરનાર હર્ષદ ગઢવી કેસના ફરિયાદીનો ખુલાસો: મારી જાણ બહાર મને ફરિયાદી બનાવાયો
સાળંગપુર હનુમાન મંદિરમાં આવેલી ‘કિંગ ઓફ સાળંગપુર’ની 54 ફૂટની વિશાળ મૂર્તિ નીચેના ભીંત ચિત્રો અંગે વિવાદ દિવસેને દિવસે વધી રહ્યો છે. સાળંગપુર ભીત ચિત્રો પર કાળો કલર કરનાર હર્ષદ ગઢવી કેસના ફરિયાદીએ વીડિયો બનાવી ખુલાસો કર્યો છે. ફરીયાદી ભુપતભાઈ સાદુળભાઈ ખાંચરે ચોંકાવનારા ખુલાસા કર્યા છે. ફરીયાદી ભુપતભાઈ સાદુળભાઈ ખાંચરે ખુલાસો કરતા જણાવ્યુ છે કે, હું હનુમાનજી મંદિરે સિક્યુરીટી તરીકે ફરજ બજાવું છું. જે દિવસે ભીંતચિત્રો પર કાળો રંગ કરવાની ઘટના બની ત્યારે હું ડયુટી પર ત્યાં જ હતો.
બનાવ બન્યાંને થોડીવાર પછી મને ઓફિસમાં બોલાવી પૂછ્યું હતુ કે તમે ત્યાંજ હતો? ત્યારબાદ ઓફિસમાં એક કાગળ ઉપર સહિ કરાવી હતી. જે બાદ સોશિયલ મીડિયાના માધ્યમથી મને ખબર પડી કે, મને ફરીયાદી બનાવ્યો છે. મારી જાણ બહાર આ કેસમાં ફરીયાદી તરીકે મારું નામ ઉમેરાયું છે. જેથી હું આ ખુલાસો કરુ છું. આ ખુલાસો કોઈના દબાણથી કરતો નથી. આ વીડિયો સામે આવ્યા બાદ વિવાદ વધારે વકરશે તેવી સંભાવના છે.