રાંદેસણની રાધે ઇન્ફીનિટી બાંધકામ સાઇટને મનપાએ 10,000નો દંડ ફટકાર્યો
ગાંધીનગર મહાનગર પાલિકા દ્વારા પોરાનાશકની કામગીરીના ભાગરૂપે પેથાપુર વિસ્તારના 1000થી વધારે ઘરનો સર્વે કરીને મચ્છરની ઉત્પતી સ્થાનોની જાણકારી આપવામાં આવી હતી. આ ઉપરાંત અગાઉ રાંદેસણમાં આવેલી રાધે ઇન્ફીનિટી બાંધકામ સાઇટને નોટીસ આપવા છતાં સાઈટ માંથી મચ્છરના પોરા મળી આવતા રૂ. 10000 નો દંડ ફટકારવામાં આવ્યો છે. જ્યારે રાયસણની અન્ય 4 બાંધકામ સાઇટને પણ નોટીસ ફટકારી છે. મચ્છરજન્ય રોગચાળાને નિયંત્રિત કરવા માટે ગાંધીનગર મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા સઘન સર્વેલન્સની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે મનપા દ્વારા દસ વેક્ટર કંટ્રોલ ટીમના 50 વર્કર તેમજ આરોગ્ય વિભાગના 10 કર્મચારીઓની હાજરીમાં પેથાપુર, રાંદેસણ અને રાયસણ વિસ્તારમાં સર્વેલન્સની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તેમાં પેથાપુર વિસ્તારમાં 1000 ઘરોની ચકાસણી કરીને ફ્રિજની ટ્રે, કુલર, પક્ષીકુંજ તેમજ પાર્કિંગ બેજમેન્ટમાં મચ્છરોની ઉત્પત્તિની ચકાસણી કરવામાં આવી હતી. ઉપરાંત સ્થાનિકોને તે અંગેની જાણકારી આપીને મચ્છરોના લારવાને કેવી રીતે નાશ કરી શકાય તેની માહિતી આપીને એક દિવસ ઘર માટે ફાળવવા લોકોને અપીલ કરી હતી. જ્યારે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા રાંદેસણની રાધે ઇન્કીનિટીને અગાઉ નોટીસ આપવા છતાં બાંધકામ સાઇટમાંથી મચ્છરના લારવા મળી આવતા રૂપિયા 10 હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો.
ઉપરાંત આરોગ્ય વિભાગની ટીમે રાયસણ અને રાંદેસણ વિસ્તારમાં આવેલી શાર્ય રિવેરા, પ્રતિષ્ઠા સાઈટ, શ્રીધર ભક્તિ, ધ બાલ્કની (રમેશ ગૃપ)ની બાંધકામ સાઇટમાંથી મચ્છરોના પોરા મળી આવતા તેનો નાશ કરવામાં આવ્યો હતો. ઉપરાંત બાંધકામ સાઇટમાં મચ્છરોના પોરા થાય નહી તેની જાણકારી આપીને નોટીસ આપી હોવાનું ગાંધીનગર મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગે જણાવ્યું છે.