રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 112 તાલુકામાં વરસાદ નોંધાયો
રાજ્યમાં લાંબા વિરામ બાદ અનેક જિલ્લાઓમાં વરસાદ વરસ્યો હતો. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 112 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. વડોદરા, અરવલ્લી, દાહોદ, મહીસાગર તેમજ દ્વારકાના કેટલાક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસ્યો છે, હવામાન વિભાગની આગાહી વચ્ચે ધીમી ધારે વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી ફેલાઈ છે. છેલ્લા 24 કલાકમાં નવસારીના વાંસદામાં પોણા ચાર ઈંચ, વલસાડના પારડી, ધરમપુરમાં સાડા ત્રણ ઈંચ, વલસાડ તાલુકામાં સવા ત્રણ ઈંચ અને વલસાડના કપરાડામાં સવા ત્રણ ઈંચ વરસાદ વરસ્યો હતો.
રાજ્યમાં લાંબા સમયના વિરામ બાદ ફરી ચોમાસું સક્રિય થયું છે. અરવલ્લી અને વડોદરામાં ગાજવીજ અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો છે. જેને લઈ તુવેર, મકાઈ, સોયાબીન સહિત મુર્જાતા પાકને જીવતદાન મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. તો બીજી તરફ અસહ્ય ગરમી અને બફારાથી લોકો પરેશાન હતા. તેવામાં વરસાદી ઝાપટા વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 112 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ નવસારીના વાસદામાં નોંધાયો છે.