અમદાવાદ ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં જેગુઆર ગાડીને મળ્યા જામીન
અમદાવાદ ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં મોટા સમાચાર સામે આવી રહ્યા છે જેમાં આ અકસ્માતમાં ઉપયોગ થનાર જેગુઆર ગાડીને જામીન મળી ગયા છે. અમદાવાદ ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં મોંઘીદાટ જેગુઆર ગાડી વડે 09 લોકોને કચડીને મોતના મુખમાં ધકેલી દેનાર કાર ચાલક તથ્ય પટેલ સામે પોલીસે વિવિધ કલમો હેઠળ ફરિયાદ નોંધીને 1684 પાનાની ચાર્જશીટ દાખલ કરી છે. તપાસમાં સામે આવ્યું હતું કે, અકસ્માતમાં જે તથ્ય ચલાવતો હતો તે જેગુઆર ગાડી તેની કે તેના પિતાની નહિ પણ ક્રિશ વારીયા નામના શખસની હોવાનું ખુલ્યું છે. જે ગાડી તપાસનીશ એજન્સીએ જપ્ત કરી હતી. જોકે હાલ મળી રહેલી જાણકારી અનુસાર આ ગાડીને જામીન મળી જતા આજે બપોરે 03.30 કલાકે એસ.જી. હાઇવે 02 ટ્રાફિક પોલીસ સ્ટેશન ખાતેથી છોડવામાં આવશે. સાથે સાથે પ્રજ્ઞેશ પટેલ જે MG ગ્લોબસ્ટર ગાડી લઈને તથ્યને લેવા અકસ્માત સમયે ઘટનાસ્થળે આવ્યા હતા તે ગાડીને પણ છોડવામાં આવશે.ક્રિશ વારીયાએ તે ગાડી પરત મેળવવા અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી. અકસ્માતમાં ગાડીને નુકસાન થયું છે. ત્યારે મૂળ માલિકે બિઝનેસમાં ગાડી વગર તકલીફ પડતી હોવાની કોર્ટમાં રજૂઆત કરી હતી. તેણે ગાડી વચગાળાના સમય માટે પરત મેળવવા કોર્ટ જે પણ શરત મૂકે તેની સાથે સંમતી દર્શાવી હતી.