રાજ્યમાં જામ્યું ચોમાસું: વરસાદી માહોલ વચ્ચે ફરી કરાઈ આગાહી
રાજ્યમાં ફરીથી ચોમાસું જામ્યું છે. ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે. વરસાદ ન આવતા ભારે ગરમી અને બફારા થી લોકો હેરાન પરેશાન થઈ ગયા હતા અને ખેડૂતો પણ પાક સુકાતા પરેશાન બન્યા હતા પણ વરસાદ થતાં ચારેકોર ઠંડક પ્રસરી છે. હવામાન વિભાગે રાજ્યમાં આગામી 4 દિવસ ભારે વરસાદ થવાની આગાહી કરી છે. કેટલાક ભાગોમાં સામાન્યથી મધ્યમ વરસાદ વરસવાની પણ આગાહી કરવામાં આવી છે.વરસાદી સિસ્ટમ સક્રીય થવાને કારણે રાજ્યમાં વરસાદી માહોલ જામશે. આજે 15 તાલુકાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે અમદાવાદના અનેક વિસ્તારોમાં પણ વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો.
24 કલાકમાં રાજ્યના 54 તાલુકામાં વરસાદ નોંધાયો છે. નવસારીના ખેરગામ, ધરમપુર, અંકલેશ્વર, વલસાડ, ઓલપાડ, સુરત શહેર, બારડોલી, મહુવામાં વરસાદ નોંધાયો છે. જેનાથી રાજ્યના ખેડૂતોમાં ખુશીની લાગણી ફેલાઈ છે. વરસાદ ખેંચાતા ખેડૂતોના મોટા ભાગના પાક સુકાઇ રહ્યા હતા અને તેના કારણે સરકારે પણ ખેડૂતોને ધ્યાનમાં રાખીને 10 કલાક વીજળી આપવાનો નિર્ણય કર્યો છે. પણ આ સમય દરમિયાન વરસાદ પડતાં ચારેકોર ઠંડક પ્રસરી છે અને લોકોને રાહત થઈ છે.10 સપ્ટેમ્બરથી હળવાથી સામાન્ય વરસાદ થઈ શકે છે. જે પછીના બે દિવસ ગુજરાતમાં હળવા વરસાદની જ સંભાવનાઓ છે. જ્યારે સૌરાષ્ટ્રમાં છૂટોછવાયો વરસાદ રહેવાની શક્યતાઓ છે.