ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાનાં ગાંધીનગરમાં આવેલા ‘વસંત વગડો’ ઘરમાં ચોરી, ચોકીદાર પર શંકા…..
ગાંધીનગર :
ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રી, પૂર્વ વિપક્ષ નેતા અને એનસીપી નેતા શંકરસિંહ વાઘેલાનાં ઘરે ચોરી થઇ છે. આ ચોરીમાં તેમના ચોકીદારનો હાથ હોય તેવી શંકા છે. ગાંધીનગરનાં પેથાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ શંકરસિંહ વાઘેલાનાં ગાંધીનગરમાં આવેલા ‘વસંત વગડો’ ઘરમાંથી ચોકીદાર બાસુદેવ નેપાળી ઉર્ફે શંભુ ગુર્ખા અને તેની પત્ની શારદા 12 તોલા સોનું અને રોકડા 3 લાખ રૂપિયા લઇને ફરાર થઇ ગયા છે. રવિવારે સાંજે આ મામલામાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
શંકરસિંહ સાથે કામ કરતાં સુર્યસિંહે પોલીસ સ્ટેશનમાં ફરિયાદમાં કહેવાયા પ્રમાણે, ‘અમે ચાર વર્ષથી નેપાળીને કામે રાખ્યો હતો. તે પોતાની પત્ની અને બાળકો સાથે વસંત વગડામાં રહેતો હતો. 2જી ફેબ્રુઆરીનાં રોજ શંકરસિંહે જણાવ્યું કે તેમનો નેપાળી ચોકીદાર ઓક્ટોબરથી પત્ની અને બાળકો સાથે જતો રહ્યો છે અને પાછો નથી આવ્યો. 7મી ફેબ્રુઆરીએ કબાટમાં મુકેલા દાગીના અને રોકડ નહોતી મળી. આ રૂમનો કબાટ ખોલવાની પરવાનગી નેપાળી અને તેની પત્નીને પણ હતી. તેથી તેણે કે તેની પત્નીએ જ રકમ અને રોકડની ચોરી કરી હોવી જોઇએ.’
પેથાપુર પોલીસ સ્ટેશનનાં પીએસઆઈ એ.જે. અનુર્કરે કહ્યું કે, ‘શંકરસિંહ વાઘેલાનાં પરિવારમાં લગ્નની તૈયારી કરતી વખતે જે જાણ થઇ કે કબાટમાંથી રોકડ અને રકમ ગાયબ છે. સિક્યોરિટી ગાર્ડ પરિવાર સાથે ઓક્ટોબરથી ઘર છોડીને જતો રહ્યો છે. પોલીસે ફરિયાદ નોંધને તપાસ શરૂ કરી છે.’