ગાંધીનગરગુજરાત

પોલીસ શહીદ સ્મૃતિ દિવસે કરાઈ ખાતે મુખ્યમંત્રી અને ગૃહમંત્રી સંઘવીની હાજરીમાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો

આજે પોલીસ શહીદ સ્મૃતિ દિવસ છે, જેને લઇ ગાંધીનગરના કરાઇમાં પોલીસ જવાનોને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ યોજાયો હતો.આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવી કરાઇ પોલીસ એકેડેમી ખાતે ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યના 671 શહીદ પોલીસ જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રી પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પોલીસ જવાનોની કામગીરીને યાદ કરી હતી અને બિરદાવી હતી અને સાથે સાથે ગૃહમંત્રી સંઘવીએ એક ખાસ અપીલ પણ કરી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે કહ્યું કે, આજનો નવરાત્રીનો 7મો દિવસમાં કાલરાત્રી તરીકે ઉજવાય છે. 1959 ચીનના ગોળીબારમાં પોલીસકર્મીઓ શહીદ થયા હતા, ત્યારથી દર વર્ષે 21મી ઓક્ટોબર પોલીસ શહીદ સ્મૃતિ દિવસ મનાવાય છે. પોલીસ જવાનોની શહાદતને વંદન કરું છું. પોલીસ હર હંમેશ ખડેપગે રહી ફરજ નિભાવતા હોય છે. આપત્તિની પરિસ્થિતિ, તહેવારો હોય કે કોઈ ઇવેન્ટ હોય ત્યારે પોલીસ ફરજ બજાવે છે. આપત્તિના સમયે લોકોને સલામત સ્થળે લઈ જઈ પોલીસ જોખમી જગ્યાએ ફરજ નિભાવે છે. અન્યના સુખ માટે પોલીસ જવાન પોતાના સુખનો વિચાર નથી કરતા. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કરેલી અપીલનો અમલ થાય તે જરૂરી, ગુજરાત દેશનું ગ્રૉથ એન્જિન બન્યું તેમાં મોટું યોગદાન પોલીસનું છે, સરકાર તરીકે પોલસ અને પોલીસ પરિવાર સાથે રહ્યા છીએ અને જરૂર પડે ત્યારે ઉભા રહીશું.

પોલીસ શહીદ સ્મૃતિ દિવસે શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સંબોધન કરતા કહ્યું હતું કે, આજના દિવસે હું તમામ શહીદ જવાનોને વંદન સાથે શ્રદ્ધાંજલિ અર્પિત કરું છું. શહીદ જવાનો અને તેમના પરિવાર પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરીએ છીએ. પોલીસ ફૉર્સ દેશની અંદર સામાજિક દૂષણથી જનતાને સુરક્ષિત રાખે છે. તથ્ય પટેલે સર્જેલા અકસ્માતમાં મૃત્યુ પામનારા પોલીસ જવાનોને હર્ષ સંઘવીએ યાદ કર્યા હતા. નવરાત્રિમાં બંદોબસ્તમાં મોડી રાત્રી સુધી કામગીરી કરનાર જવાનોને યાદ કર્યા હતા. કોરોના કાળમાં ફ્રન્ટ લાઈન વૉરિયર તરીકે કામ કરનાર પોલીસ જવાનોને પણ યાદ કર્યા હતા. શાંતિ અને સલામતીમાં પોલીસનો સૌથી મોટો ફાળો છે. આજે એક દિવસ પોલીસ જ્યાં મળે ત્યાં તેમને સલામી આપીએ તેવી વિનંતી કરી છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x