મહાદેવ સટ્ટાબાજી એપ કેસ: સરકારે 22 ગેરકાયદેસર એપ અને વેબસાઈટ બ્લોક કરવા કર્યો આદેશ
મહાદેવ સટ્ટાબાજી એપ કેસને લઈને EDની તપાસ વચ્ચે IT મંત્રાલયે મોટી કાર્યવાહી કરી છે. મંત્રાલયે મહાદેવ બુક ઓનલાઈન અને અન્ય 21 સટ્ટાબાજીની એપ્સ અને વેબસાઈટ્સ એટલે કુલ 22 સામે બ્લોક કરવાનો આદેશ જારી કર્યો છે. EDની ભલામણ બાદ ઈન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટની કલમ 69A હેઠળ આ આદેશ જારી કરવામાં આવ્યો છે. ગેરકાયદેસર સટ્ટા સાથે સંકળાયેલ સિન્ડિકેટ સામે એન્ફોર્સમેન્ટ એન્ડ ડિરેક્ટોરેટ (ED) દ્વારા કરવામાં આવેલી તપાસ તથા ત્યારબાદ
છત્તીસગઢમાં મહાદેવ બુક પર પાડવામાં આવેલા દરોડા બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે. રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરે કહ્યું કે છત્તીસગઢ સરકાર પાસે IT અધિનિયમની કલમ 69A અંતર્ગત વેબસાઈટ બંધ કરવા ભલામણ કરવાની સંપૂર્ણ સત્તા હતી, અમને ED તરફથી પ્રથમ અને એકમાત્ર વિનંતી મળી છે,ત્યારબાદ તેને બ્લોક કરવામાં આવેલ છે. બીજી તરફ મહાદેવ સટ્ટાબાજીની એપ સાથે જોડાયેલા કૌભાંડને લઈને ભાજપે રવિવારે કોંગ્રેસ પર હુમલો તેજ કર્યો. ભાજપે રાહુલ ગાંધી તેમજ છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલને આ કેસમાં નાણાંની લેવડ-દેવડમાં તેમની ભૂમિકા સ્પષ્ટ કરવા જણાવ્યું છે.