દિવાળીના તહેવારો દરમિયાન પશ્ચિમ રેલવે ગુજરાતમાંથી દોડાવાશે 3 વિશેષ ટ્રેનો
દિવાળીના તહેવારોની સીઝનમાં મુસાફરોની માંગને પહોંચી વળવા પશ્ચિમ રેલવેએ અમદાવાદ-પટના, સાબરમતી-દિલ્હી સરાય રોહિલ્લા અને ભાવનગર ટર્મિનસ-દિલ્હી સરાય રોહિલ્લા સ્ટેશનો વચ્ચે વિશેષ ભાડા પર કેટલીક વધુ તહેવાર વિશેષ ટ્રેનો ચલાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. દિવાળીને હવે ગણતરી દિવસો બાકી છે ત્યારે લોકોને આ તહેવારો દરમિયાન પ્રવાસમાં સરળતા રહે તે માટે રેલવે વિભાગ દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. પશ્ચિમ રેલ્વે વધુ ત્રણ જોડી તહેવાર વિશેષ ટ્રેનો ચલાવવાનો નિર્ણય લીધો છે.
વિવિધ સ્થળો માટે તહેવાર વિશેષ ટ્રેનોના 360 ફેરા મારવામાં આવશે. પશ્ચિમ રેલ્વેની ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનોનો 6.25 લાખથી વધુ મુસાફરોને લાભ થશે. પશ્ચિમ રેલ્વેએ જાહેર કરેલી પ્રેસ રિલીઝ મુજબ, આ ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનોના સંચાલન સાથે 344 વધારાના કોચ ઉમેરવામાં આવ્યા છે, જેનો લાભ આશરે 25,000 મુસાફરોને ખાસ કરીને તહેવારોની સિઝનમાં થશે. પશ્ચિમ રેલ્વેએ અત્યાર સુધીમાં 360 ટ્રીપ્સ સાથે વિવિધ સ્થળો માટે 44 ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનો શરૂ કરી છે, જેનો લાભ આશરે 6.25 લાખ મુસાફરોને મળ્યો છે. તહેવાર વિશેષ ટ્રેનોની વિગતો આ મુજબ છે.