ગાંધીનગરમાં ચાર જિલ્લાના કલેક્ટરો સાથે મુખ્ય ચૂંટણી અધિકારી સુશ્રી પી. ભારતીએ સમીક્ષા બેઠક યોજી
આગામી લોકસભાની ચૂંટણીની પૂર્વ તૈયારીઓ અને આયોજનના ભાગરૂપે મુખ્ય ચૂંટણી અધિકારી સુશ્રી પી. ભારતીએ ગાંધીનગર ખાતે ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના કલેકટરો સાથે બેઠક યોજી હતી. રાજયના મુખ્ય ચૂંટણી અધિકારી એ કલેક્ટરોને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. તેમણે યુવા મતદારોની મહત્તમ નોંધણી થાય તેનું સુચારું આયોજન કરવા અને મતદાન પ્રત્યે લોકજાગૃત્તિ કેળવવા ભારપૂર્વક જણાવ્યું હતું.
આ બેઠકમાં રાજયના મુખ્ય ચૂંટણી અધિકારી પી. ભારતીએ જણાવ્યું હતું કે, આગામી લોકસભાની ચૂંટણીમાં મહત્તમ મતદાન થાય એ માટે મતદારયાદીની સુધારણા ખૂબ જ અગત્યની છે અને આ માટે ચૂંટણી તંત્ર દ્વારા ખાસ ઝૂંબેશ ચલાવવામાં આવી રહી છે. જેમાં મતદારોના વિવિધ હેતુંના ફોર્મ સ્વીકારી તેના આધારે મતદારયાદીમાં નવા નામ દાખલ કરવા,બદલવા, સુધારવા કરવા કે કમી કરવાની પ્રક્રીયા હાથ ધરવામાં આવી રહી છે. આનો મહત્તમ નાગરિકો લાભ લઇ પોતાના નામની ચકાસણી કરે એ જરૂરી છે.
તેમણે એમ પણ જણાવ્યું હતું કે, ચૂંટણી પ્રક્રીયામાં નવા યુવા મતદારો મહત્તમ ભાગ લે એ જરૂરી છે. આ માટે આઇ.ટી.આઇ તેમજ કોલેજોમાં મતદાર તરીકેની નોંધણી માટેની ઝૂંબેશ થાય એવા કાર્યક્રમનું આયોજન કરવું જોઇએ. મતદારોમાં ઇ.વી.એમ.ને લઇને જાગૃત્તિ આવે તેવા સઘન પ્રયત્ન કરવા પણ જણાવ્યું હતું. તેમજ નવયુવાનોને ઇ.વી.એમ. મશીન કેવી રીતે કામ કરે છે, તેના માટેની ચૂંટણી પંચે તૈયાર કરેલ ડેમો પણ બતાવવા અને કોલેજોમાં લોકશાહીમાં મતદારો કેવી રીતે આઘારસ્તંભ છે, તેની જાગૃત્તિ કેળવાય તેવા કેમ્પ કરવા પણ જણાવ્યું હતું. લગ્નબાદ મહિલાઓ એક સ્થાનથી બીજા સ્થાને જાય ત્યારે તેમનું નામ કમી કરવા અને નવીન જગ્યાએ મતદાન કરી શકે તે માટે નામ ઉમેરવાની પ્રક્રિયા પર ખાસ ભાર મૂક્યો હતો. તેની સાથે મૃત્યૃ પામેલ મતદારોના નામ આધારભૂત રીતે મતદાર યાદીમાંથી કમી થાય તે ખાસ તકેદારી રાખવા જણાવ્યું હતું. તેની સાથે તમામ જિલ્લામાં ફોર્મ નંબર- ૬,૭ અને ૮ માં શું શું કામગીરી કરવામાં આવી છે, ઉપરાંત ફોર્મ નામંજૂર કરવામાં આવે તેની જાણ અરજદારને થાય તેની ખાસ તકેદારી રાખવા જણાવ્યું હતું. તેની સાથે લોકસભાની ચૂંટણી મતદાન વઘે તે માટે દરેક જિલ્લાના આર.ઓ. પાસેથી કેવા આયોજન કરવામાં આવ્યા છે તેની પણ વિગતો મેળવી હતી.
ભારતના ચૂંટણી પંચ દ્વારા આગમિ લોકસભા ચૂંટણીમાં મતદાનની ટકાવારી વધે તે માટે ટર્ન આઉટ ઇમ્પલીમેન્ટેશન પ્લાન (TIP) તૈયાર કરવામાં આવ્યો છે તેના દ્વારા મતદારોની સહભાગિતા વધે અને મતદાન વધે તે માટે ભારપૂર્વક જણાવ્યું હતું. આ સમીક્ષા બેઠકમાં સામેલ ૧૯ વિધાનસભા મત વિસ્તારના અધિકારીઓ દ્વારા રજૂ કરવામાં આવેલા ટીપ પ્રેઝન્ટેશન પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. અત્રે નોંધવું જોઇએ કે, રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીની કચેરી દ્વારા આ વખતની લોકસભાની ચૂંટણીને ધ્યાને લઇ ૩૩ જિલ્લાઓને ૧૦ પ્રભાગમાં વહેંચી તેની સમીક્ષા કરવામાં આવી રહી છે. તે અનુક્રમમાં અમદાવાદ, રાજકોટ, વડોદરા બાદ આજે ગાંધીનગર ખાતે આ સમીક્ષા કરવામાં આવી હતી.
આ બેઠકમાં સંયુક્ત મુખ્ય નિર્વાચન અધિકારી એ. બી. પટેલ, ગાંધીનગર જિલ્લા કલેકટર શ્રી હિતેષ કોયા, મહેસાણા કલેકટર શ્રી એમ.નાગરાજન, સાબરકાંઠા કલેકટર શ્રી નૈમેષ દવે, અરવલ્લી કલેકટર શ્રી પ્રશસ્તિ પારીક, સહિત ચારેય જિલ્લાના સંબંધિત અધિકારીઓ ઉપસ્થિતિ રહ્યા હતા.