ગાંધીનગર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં જોખમી બનતા અવાવરું કુવાઓ-બોરવેલ
ગાંધીનગર તાલુકામાં ગ્રામ્ય વિસ્તારમાં અનેક સ્થળે ખુલ્લાં અવાવરું કુવા આવેલા છે જેમાં વારંવાર ગાય, કુતરાં, બિલાડી, નીલગાય, ઊંટ જેવા વિવિધ પ્રાણીઓ પડી જવાની ઘટનાઓ દિનપ્રતિદિન વધારો થઇ રહ્યો છે. સદભાગ્યે હજુ સુધી કોઈ માનવી પડી જવાની દુર્ઘટના સર્જાઈ નથી પરંતુ આ પ્રકારના અવાવરું કુવાઓ કે બોરવેલમાં પડીને કોઈ વ્યક્તિ ઈજાગ્રસ્ત થાય છે જીવ ગુમાવે તે પહેલાં આવા કુવાઓને જો નકામા હોય તો પુરી દેવા જોઈએ અને જો કામના હોય તો સત્વરે તેની ફરતે સુરક્ષા દીવાલ કે ગ્રીલની વ્યવસ્થા કરવી અત્યંત જરૂરી બની રહ્યું છે.
ગાંધીનગર શહેરમાં જીવદયા અને એનિમલ રેસ્કયુ ક્ષેત્રે કાર્યરત સંસ્થા શ્રી રામ ચેરીટેબલ ટ્રસ્ટની હેલ્પલાઇન નંબર પર છેલ્લા ૧૦ દિવસમાં તાલુકાના વિવિધ ગામના અવાવરું ખુલ્લા કૂવામાં મૂંગા વન્ય પશુ તથા પ્રાણીઓના અંદર કુવામાં પડી જવાના કેસો ખૂબ જ વધારો નોંધાયો છે.ગત તારીખ ૧૪મી નવેમ્બરના રોજ ડભોડા ગામમાં આશરે સો ફૂટ ઊંડા કૂવામાં ઊંટ પડી ગયું હતું. તારીખ ૧૮મી નવેમ્બરના રોજ બોરીજ ગામમાં આશરે ૮૦ ફૂટ ઊંડા કૂવામાં એક શ્વાન પડી ગયુ હતુ, આ સાથે તે કુવામાં કોબ્રા સાપ અને પાટલા ઘો પણ હતા. તા.૨૦ નવેમ્બરે ગામ રૂપાલમાં આશરે ફૂટ ઊંડા કૂવામાં શ્વાન પડી ગયુ હતુ.
આ તમામ પ્રાણીઓને શ્રી રામ ચેરીટેબલ ટ્રસ્ટના સ્વયંસેવકો દ્વારા રેસ્કયું કરી લેવાયા છે પરંતુ સંસ્થાના પ્રમુખ વિજય શર્મા તથા ઉપપ્રમુખ અંજલિબા ગેહલોત તથા સંસ્થા સાથે જોડાયેલા સેવાભાવી સભ્યોનું ગાંધીનગર તથા આજુબાજુના વિસ્તારના ધારાસભ્યો, કોર્પોરેટર્સ કે ગામના સરપંચ-ઉપ સરપંચો તથા ગામના પંચાયત તલાટી કમ મંત્રીઓને તેમના વિસ્તારમાં એક સર્વે કરી સત્વરે ગ્રામ્ય વિસ્તારના ખુલ્લા કૂવાઓ તથા ખુલ્લા બોરવેલ પર કાર્યવાહી કરી કોઈ મોટી જાનહાનીના થાય તે માટે પગલાં લેવામાં આવે તેવી વિનંતી કરવામાં આવી છે.
આ પગલાં લેવાય ત્યાં સુધીમાં જો કોઈ પ્રાણી આવા કુવામાં પડી જાય તો શ્રી રામ ચેરીટેબલ ટ્રસ્ટની હેલ્પલાઇન નંબર 97 23 83 23 83 ડાયલ કરીને જાણ કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.