જાપાન પ્રવાસે ગયેલા મુખ્યમંત્રીએ કમોસમી વરસાદની કરી સમીક્ષા, મૃતકોના પરિજનોને સહાય આપવા સૂચના
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જાપાનના પ્રવાસે છે. તે દરમિયાન રાજ્યમાં કમોસમી વરસાદે એન્ટ્રી કરી છે. કમોસમી વરસાદ થતાં ચારેકોર ઠંડક પ્રસરી છે અને રાજ્યમાં ઠંડીનું જોર વધ્યું છે. સાથે સાથે કમોસમી વરસાદથી રાજ્યના ખેડૂતો શિયાળુ પાકને લઈ ચિંતામાં મુકાયા છે. પોતાના જાપાન પ્રવાસ દરમિયાન મુખ્યમંત્રી પટેલે ગુજરાતમાં પડી રહેલા કમોસમી વરસાદની સ્થિતિની ટેલિફોનિક સમીક્ષા કરી હતી.
અને રાજ્યમાં કમોસમી વરસાદ ની સ્થિતિ જાણી હતી. મુખ્યમંત્રીએ પોતાના X એકાઉન્ટમાં પોસ્ટ કરી છે કે, જાપાન પ્રવાસ વચ્ચે રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલ સાથે ટેલિફોનિક ચર્ચા કરીને રાજ્યમાં કમોસમી વરસાદના કારણે ઉભી થયેલી સ્થિતિની સમીક્ષા કરી છે. આ ઉપરાંત કમોસમી વરસાદના કારણે મોતને ભેટેલા મૃતકોના પરિવારજનોને સહાય ચૂકવવા માટે પણ વહીવટી તંત્રને સૂચના આપી છે. રાજ્યમાં વહેલી સવારથી રાતના 8 વાગ્યા સુધીમાં 233 તાલુકામાં વરસાદ નોંધાયો છે.
જે પૈકી સૌથી વધુ સવા 4 ઈંચ વરસાદ સુરેન્દ્રનગર જિલ્લાના ચૂડામાં નોંધાયો હતો. આ સિવાય સુરત શહેરમાં પોણા 4 ઈંચ, ઉમરપાડામાં સાડા 3 ઈંચ અને ખેડાના નડિયાદમાં 3 ઈંચ વરસાદ વરસ્યો હતો.