રાજ્ય માહિતી કમિશનર કે. એમ. અધ્વર્યુ અને વી. પી. પંડ્યાનો ગાંધીનગર ખાતે વિદાયમાન સમારોહ યોજાયો
રાજ્ય માહિતી કમિશનર કે. એમ. અધ્વર્યુ તેમજ વી. પી. પંડ્યાનો કાર્યકાળ પૂર્ણ થતા ગાંધીનગર સર્કીટ હાઉસ ખાતે વિદાય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારોહના પ્રારંભે માહિતી આયોગના સચિવ જયદિપ દ્વિવેદીએ સૌને આવકાર્યા હતા. ત્યારબાદ માહિતી આયોગ દ્વારા રાજ્ય માહિતી કમિશનર ઓને ગરિમાપૂર્ણ વિદાયમાન આપવામાં આવ્યું હતું.
આ સમારોહમાં મુખ્ય માહિતી કમિશનર અમૃત પટેલ, રાજ્ય માહિતી કમિશનર આર. જે. કારીઆ, પૂર્વ મુખ્ય માહિતી કમિશનર દિલીપ ઠાકર, વી. એસ. ગઢવી તથા પૂર્વ રાજ્ય માહિતી કમિશનર આર. આર. વરસાણી, સામાન્ય વહીવટ વિભાગના અધિક સચિવ જે. પી. ત્રિવેદી તથા માહિતી આયોગના અધિકારીઓ-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે વિવિધ મહાનુભવો દ્વારા રાજ્ય માહિતી કમિશનર શ્રી કે. એમ. અધ્વર્યુ તેમજ વી. પી. પંડ્યાની સુદીર્ઘ સેવાઓ દરમ્યાન હકારાત્મક અને સંવેદનશીલ અભિગમ તેમજ અજોડ વહીવટી કુનેહને બિરદાવવામાં આવી હતી. આ સાથે જ તેમની ફરજ પ્રત્યેની નિષ્ઠા તથા સમર્પણ ભાવનાની પણ ઉપસ્થિત મહાનુભવો દ્વારા નોંધ લેવામાં આવી હતી.
પોતાનો કાર્યકાળ પૂર્ણ થતા બન્ને રાજ્ય માહિતી કમિશનરઓ દ્વારા પણ તેમની સરકારી સેવા દરમિયાનના સંસ્મરણો અને અનુભવો વાગોળ્યા હતા. સાથે જ તેમણે સન્માન માટે સૌનો આભાર પણ માન્યો હતો. સમારંભના અંતે માહિતી આયોગના હિસાબી અધિકારી શ્રી બી. ટી. જાની દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી.