દાહોદ, ,પંચમહાલ, ખેડા, મહીસાગરમાં માવઠું થવાની હવામાન વિભાગે કરી આગાહી
કમોસમી વરસાદે ખેડૂતોને રોવડવ્યા છે ત્યારે ફરી હવામાન વિભાગ દ્વારા માવઠાની આગાહી કરવામાં આવતા ખેડૂતોની ઊંઘ હરામ થઈ છે. 3 દિવસ છૂટો છવાયો વરસાદ પડી શકે છે. દાહોદ, ,પંચમહાલ, ખેડા, મહીસાગરમાં માવઠું થવાની શક્યતા છે. સાયક્લોનિક સર્ક્યૂલેશન સિસ્ટમ સક્રિય થવાને કારણે વરસાદ પડી શકે છે. હાલ તો તાપમાન સામાન્ય રહેશે જો કે 3 દિવસ બાદ ફરી તાપમાનમાં ઘટાડો નોંધાશે.
હવામાન વિભાગેની આગાહી મુજબ રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. જેના પગલે ફરી એકવાર જગતના તાતની ચિંતા વધારી દીધી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, છોટાઉદેપુર, તાપી, દાહોદ, નર્મદા, ડાંગ, નવસારી તેમજ વલસાડમાં સામાન્ય વરસાદની સંભાવના છે. મહીસાગર જિલ્લામાં વરસાદ વરસ્યો છે. મહીસાગર જિલ્લાના વીરપુરમાં તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. લુણાવાડા તાલુકાના મલેકપુર ગોરાળા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ કમોસમી વરસાદ વરસ્યો છે. મહીસાગર જિલ્લામાં વાદળછાયું વાતાવરણ છે તો કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે.
દક્ષિણના બે રાજ્યો તમિલનાડુ અને આંધ્રપ્રદેશના ભાગોમાં ચક્રવાતી તોફાનનો ખતરો છે. હવામાન વિભાગએ આગાહી કરી છે કે ચક્રવાતી તોફાન 4 ડિસેમ્બરની સાંજની આસપાસ આંધ્ર પ્રદેશના માછલીપટ્ટનમ અને તમિલનાડુના ચેન્નાઈના દરિયાકાંઠાને પાર કરશે. ગઈકાલે આઈએમડી બુલેટિન અનુસાર, દક્ષિણપૂર્વ બંગાળની ખાડી પરનું લો પ્રેશર એરિયા છેલ્લા 12 કલાક દરમિયાન પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધ્યું છે.