રાજ્યમાં સતત ઠંડીનો ચમકારો: છવાયું ધુમ્મસ
ગુજરાત રાજ્યમાં સતત ગુલાબી ઠંડીનો ચમકારો વધી રહ્યો છે. વધી રહેલી ઠંડી બાદ હવામાનનો મિજાજ બદલાવા લાગ્યો છે. ઘણા જગ્યાએ ગાઢ ધુમ્મસ જોવા મળી રહ્યું છે. ઉત્તર ભારતમાં ઠંડીમાં વધારો થયો છે રવિવારે નલિયા સૌથી ઠંડુંગાર રહ્યું હતું. નલિયામાં 9.2 ડિગ્રી તાપમાન નોંધાયું તો અમદાવાદમાં 16.2 ડિગ્રી તાપમાન રહ્યું હતું. હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે 13 ડિસેમ્બર બાદ ઠંડીમાં હજુ પણ વધારો થશે.
હવામાન વિભાગે આગાહી કરી હતી કે આગામી 7 દિવસ ગુજરાતમાં કમોસમી વરસાદની કોઇ શક્યતા નથી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર તમિલનાડુ, કેરળ અને લક્ષદ્વીપ, કર્ણાટકમાં વરસાદની સંભાવના છે. આ ઉપરાંત આગામી દિવસોમાં ઉત્તર પ્રદેશ અને બિહારમાં ગાઢ ધુમ્મસ રહેશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર,
પશ્ચિમી વિક્ષેપ આગામી દિવસોમાં પશ્ચિમ હિમાલયન ક્ષેત્રને અસર કરશે, ત્યારબાદ જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ, બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં છૂટાછવાયા હિમવર્ષા અને વરસાદ થશે. ઠંડીમાં વધારો થવાની શક્યતા છે.